અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પોતાની ટીમને પ્રોત્સાહિત કરવા ભારતીય સમર્થકો વિવિધ વેશભૂષામાં આવ્યા છે. ત્યારે મેચની શરૂઆત થયા બાદ બેંગ્લોરના પ્રકાશ ગેરા રાજાની વેશભૂષામાં આવ્યા હતા. સાથે જ તેઓએ નિવેદન આપ્યું હતું કે, ભારત પાકિસ્તાન મેચ નહીં પણ વોર છે, આ મેચ ભારત જ જીતશે અને વિશ્વકપ પણ ભારતનો રહેશે.
બેંગ્લોરના રાજ પધાર્યા : ઇન્ડિયા પાકિસ્તાન મેચમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને તમામ લોકોને સંપૂર્ણ રીતે ચેક કરીને જ સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજાનો વેશ ધારણ કરી આવેલા પ્રકાશ ગેરાને જોઈને લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. ઉપરાંત અનેક લોકોએ તેમની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી પણ કરી હતી. જ્યારે પ્રકાશ ગેર સ્ટેડિયમની બહાર રાજાની વેશભૂષામાં પહોંચ્યા હતા, પરંતુ સ્ટેડિયમની અંદર સામાન્ય વ્યક્તિની જેમ એન્ટ્રી કરવી પડી હતી. જેમાં પોલીસે પ્રકાશ ગેરની તમામ તપાસ કર્યા બાદ જ સ્ટેડિયમમાં એન્ટ્રી આપી હતી. જ્યારે લોકોએ જય શ્રી રામ અને ભારત જીતશે તેવા પણ નારા લગાવ્યા હતા.
આ ક્રિકેટ મેચ નથી, યુદ્ધ છે : રાજાના વેશમાં આવેલા પ્રકાશ ગેરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ઇન્ડિયા પાકિસ્તાન મેચ જોવા માટે રાજાના વેશમાં આવ્યો છું. રાજા સ્ટેડિયમમાં પહોંચે તે પહેલાં તમામ પ્રજાને મેચ જોવા મોકલી છે. જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ નથી પરંતુ યુદ્ધ છે. જેમાં ભારત દેશના તમામ નાગરિકોના આશીર્વાદ મેળવીને ભારત યુદ્ધમાં વિજય મેળવશે.
વ્હીલચેરમાં આવી ભારતીય ચાહક : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને એક્સિડન્ટનો ભોગ બનેલી યુવતીએ ઇન્ડિયા પાકિસ્તાન મેચનો લ્હાવો લેવા માટે વ્હીલચેરમાં સ્ટેડિયમ ખાતે પહોંચી હતી. ત્યારે ETV BHARAT સાથેની વાતચીતમાં યુવતીએ જણાવ્યું હતું કે, મને ઇન્ડિયા પાકિસ્તાન મેચ જોવા માટે ખૂબ જ ક્રેઝ હતો, પણ એક્સિડન્ટ હોવાને કારણે હું ગભરાતી હતી. એટલે મેચ શરૂ થયાના થોડા સમય પછી આવી, પણ મેચ જરૂર જોઈશ અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ પણ કરીશ.