થિયેટરોમાં ફિલ્મની શરૂઆત પહેલાં તમાકૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની જાહેરાત દર્શાવવામાં આવે છે, એવી જ રીતે પોક્સોની જાહેરાત કરવા, રેડીયો અને સ્થાનિક ટીવી ચેનલો ઉપર પણ પોક્સોની જાહેરાતો કરી નાગરિકોમાં આ કાયદાની જાગૃતિ ફેલાવવાની માંગ રિટમાં કરવામાં આવી છે.
સબફ્રી નામની સંસ્થાના ચેરમેન સોનલ કેલોગ અને અન્યો વતી એડવોકેટ ક્રિસ્ટી બાપિસ્ટે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરી રજૂઆત કરી હતી કે,‘સામાન્ય રીતે બાળકો સાથે વાલીઓ જાતિયતાના અને વધતી ઉંમર સાથે થતાં શારીરિક અને ભાવુક પરિવર્તનો વિશેની ચર્ચા કરતાં નથી. પરિણામ સ્વરૂપે જાતિય શોષણના ભોગ બનતા બાળકોના કેસો રિપોર્ટ થતાં નથી.આ ચુપકીદીના પગલે ગુનેગારોને છૂટો દોર મળે છે અને બાળકોની જાતિય સતામણીની ઘટનાઓ બેફામ રીતે વધે છે. આવા સમયે બાળકોને પણ જાતિય શોષણના મામલે જાગૃત કરવાની જરૂર છે. કેમ કે યૌન શોષણ કરનારી વ્યક્તિ કુટુંબની નજીકની જ હોય છે. તેથી બાળકોમાં સમજણ આવશે તો તેઓ બોલશે. તેથી સ્કૂલો અને કોલેજોમાં પોક્સો અંગે જાગૃતિ ફેલાવવી જોઇએ.
ગુજરાત વર્સિસ અશોકભાઇ પરમારના કેસમાં હાઇકોર્ટે પોક્સોના કાયદાની બહોળી પ્રસિદ્ધિ કરવા માટેનો આદેશ કર્યો હતો. જેમાં ટીવી, રેડિયો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો કરી સામાન્ય લોકો, બાળકો અને વાલીઓને પોક્સોના કાયદા વિશે જાગૃત કરવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારને પણ શાળા-કોલેજોમાં પોક્સો વિશેની જાણકારી પહોંચાડવાનું કોર્ટે કહ્યું હતું. અલબત્ત, અરજદારે માંગેલી માહિતીઓમાં કોઇ પણ પ્રકારની જાગૃતિ ઝુંબેશ ગુજરાત સરકારે કરી હોવાનું સામે આવ્યું નથી. જો સરકાર પોક્સોના કાયદાની ઝુંબેશ નહીં ચલાવે તો વધુમાં વધુ કુમળી વયના નિર્દોષ બાળકો જાતિય શોષણના ભોગ બનશે. અપમાનિત થશે, હાલાકીમાં મુકાશે અને શારીરિક ઇજાનો ભોગ બનશે.’