- વર્તમાન પરિસ્થિતિમાં GTUની પરીક્ષા મુલતવી રાખવાનો નિર્ણય
- આ પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે
- નવું શૈક્ષણિક સત્રનો ઓનલાઇન અભ્યાસ 3જી ડિસેમ્બરથી શરૂ થઇ જશે
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીની આગામી તારીખ 10મી ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષા હાલ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇને મોકૂફ રાખવામાં આવી છે. આગામી તારીખ પરીક્ષાના 10 દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે તેમ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નવીન શેઠે જણાવ્યું છે. તેની સાથે-સાથે તેમ પણ જણાવ્યું છે કે, નવા સેમેસ્ટરનો ઓનલાઇન અભ્યાસક્રમ 3જી ડિસેમ્બરથી શરૂ થઇ જશે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ડિપ્લોમા, અન્ડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટની 22 જેટલી વિદ્યાશાખાના 1,3,5,7 સેમેસ્ટરની પરીક્ષા આગામી તારીખ 10 ડિસેમ્બરથી શરૂ થવાની હતી. આ પરીક્ષા 400થી વધુ સેન્ટર પર યોજાવાની હતી. આ પરીક્ષામાં 3,50 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. કોવિડ 19ની પરિસ્થિતિને લઇને ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવ્યો હતો, પરંતુ ઘણાં વિદ્યાર્થીઓના પરિવારજનો કોવિડ 19નો ભોગ બન્યા હોવાથી વિદ્યાર્થીઓને માનસિક અસર થવાની સાથે અનેક વિદ્યાર્થીઓને નેટ સહિતના પ્રશ્નોને લીધે પણ અભ્યાસ કરી શક્યા નથી. તેમાંય વળી આ પરીક્ષા ઓફલાઇન લેવાની જાહેરાત થઇ હતી. જેના કારણે વિદ્યાર્થીઓમાં વિરોધ થયો હતો. આ અંગે વિદ્યાર્થીઓએ ટ્વીટર યુધ્ધ શરૂ કર્યું હતું. તેમ છતાં યુનિવર્સિટીના સત્તાવાળાઓ દ્રારા કોઇ પ્રર્ત્યુત્તર પાઠવવામાં આવ્યો નહીં હોવાની ફરિયાદ હતી. જેના કારણે આ પરીક્ષાને લઇને વિવાદ શરૂ થયો હતો.
પરીક્ષાની તારીખો ક્યારે જાહેર કરાઇ હતી?
જો કે, ડીન તથા એસોસીએટ ડીન સાથે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નવીન શેઠ તથા અન્ય સત્તાવાળાઓ વચ્ચે યોજાયેલી મીટિંગ બાદ આ પરીક્ષા પ્રવર્તમાન કોવિડની સ્થિતિને લઇને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પછીની પરીક્ષાની તારીખ પરીક્ષાના 10 દિવસ પહેલાં યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તેમ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે. એન. ખેરે જાહેરાત કરી છે. તેમણે આ અંગે કોલેજોને સરક્યુલર કરીને ત્વરિત ધોરણે મોકલી આપીને વિદ્યાર્થીઓને જાણ કરવાની તાકીદ કરી છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સીટીના આ નિર્ણયના કારણે હાલ તો ઓનલાઇન / ઓફલાઇન વિવાદનો અંત આવ્યો છે, પરંતુ આગામી દિવસોમાં પરીક્ષા જાહેર થતાંની સાથે જ જો પરીક્ષા ઓફલાઇન અને અમૂક પ્રકરણોને લઇને ફરીવાર વિવાદ માથું ઊંચકે તેવી સંભાવના રહેલી છે.