અમદાવાદઃ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં વર્ષ દરમિયાન મોટે ભાગે નર્મદા નદીનું જ પાણી છોડી બેન્ને કાંઠા ભરી રાખવામાં આવે છે. જ્યારે ચોમાસામાં આ નદીના ઉપરવાસમાં પાણી છોડવામાં આવે છે. ત્યારે ધસમસતા પાણીમાં અનેક જીવો તણાઇને આવે છે. જેમાં જુદી જુદી પ્રકારની માછલીઓ પણ હોય છે.
સાબરમતીમાં પહેલા લોકો તરાપા બનાવી માછલીઓ પકડતાં જોવા મળતા હતા પણ આ વર્ષે શાહપુરથી આશ્રમ રોડ પર જતાં બ્રિજ પર આસપાસની વસાહતોમાં રહેતા લોકો વહેલી સવારથી જ માછલાં પકડવા કતારબંધ ગોઠવાયેલા જોવા મળે છે.
લોટ, દોરી અને માછલી પકડવા માટેના કાંટા સાથે સવારથી જ તપશ્ચર્યા કરતાં લોકોને બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ કુતુહલ વશ જોઇ રહે છે. કેટલાક વાહનચાલકો શું થયું એ જોવા ઉભા રહી જાય છે.
સામાન્ય રીતે બ્રિજ પર કે નદીમાં કોઈ ઘટના બને તો પુલ પર ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ એક્શનમાં આવી જાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અડધો ગાંધીબ્રિજ રોકીને ફિશીંગની મોજ માણતા લોકો પેટ્રોલિંગ કરતી પોલીસને દેખાતા નથી લાગતા..!