ટ્રાયલ કોર્ટે મૃત વ્યકિતના (અરજદાર) નામે આપેલા ચુકાદાને પડકારતી અપીલ અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવા માટે વંશજ દ્વારા કરવામાં આવેલી રિટ મુદે જસ્ટીસ કે. એમ. ઠાકર અને વી.પી. પટેલની ખંડપીઠે મહત્વનું અવલોકન કરતાં નોંધ્યું કે, અરજદાર કે કોઈ પક્ષકારના મૃત્યુ પામવાના કિસ્સામાં વકીલની ફરજ છે કે એ આ અંગેની જાણ કોર્ટને કરે.
ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે, અરજદારના મૃત્યુની જાણ નિયત સમયમાં કરવામાં ન આવે અને જાણકારીના અભાવમાં કોર્ટ મૃત વ્યકિતના નામે ચૂકાદો આપે ત્યારબાદ ખુબ જ જટીલ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. જો સમયસર આ અંગેની જાણ કોર્ટને કરવામાં આવે તો ઘણા બધા કેસમાં મલ્ટીપ્લાય કાર્યવાહીને ટાળી શકાય છે.
હાઈકોર્ટે આવા જ કિસ્સામાં મૃત અરજદારના નામે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચૂકાદાની અપીલ અરજીમાં પક્ષકાર તરીકે જોડાવવાની વંશજોની વિલંબ અરજીમાં હાલ પુરતો હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો અને ટ્રાયલ કોર્ટને પક્ષકારો પાસેથી પુરાવા અને જરૂરી દસ્તાવેજો મંગાવી અરજદારના મૃત્યુથી સ્થાગિત થયેલા ચૂકાદા મુદે નિર્ણય લે.
હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે, અરજદાર કે પ્રતિવાદીના મૃત્યુ પામવાના કેસમાં વકીલ દ્વારા જો કોર્ટને જાણ કરવામાં ન આવે અને વંશજ દ્વારા કાયદાકીય પ્રક્રિયા થકી પક્ષકાર તરીકે જોડાવવામાં ન આવે ત્યારે જાણકારીના અભાવે કોર્ટ મૃત વ્યકિતના નામે ચૂકાદો જાહેર કરે છે અને આવી પરિસ્થિતિમાં ચૂકાદો એબેટ એટલે કે સ્થગિત થઈ જાય છે. અને જ્યાં સુધી ટ્રાયલ કોર્ટ કે અન્ય કોઈ કોર્ટ જ્યાં કેસ ચાલતો હોય એ એબેટમેન્ટ (સ્થગિત ચુકાદો) પાછો ન ખેંચે ત્યાં સુધી અપીલ અરજી કે કોઈ અરજીને માન્ય રાખી શકાય નહિ. એબેટમેન્ટ (સ્થાગિત ચુકાદો) પાછો ખેંચવાની સતા જે તે ટ્રાયલ કોર્ટ અથવા કોર્ટમાં કેસ ચાલતો હોય તેની પાસે છે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, ગોધરા રેફરન્સ કોર્ટમાં જમીન સંપાદન મુદે અરજદાર દ્વારા રિટ દાખલ કરવામાં આવી હતી અને કોર્ટમાં કેસ પેન્ડિગ હતો. ત્યારે અરજદારનું મોત થયું હતું. જે અંગેની વંશજ અને અરજદારના વકીલ દ્વારા કોર્ટને જાણ ન કરાતાં કોર્ટે અરજદારની મૃત્યુની જાણકારીના અભાવે ચૂકાદો જાહેર કર્યો હતો. જમીન સંપાદનથી નાખુશ સરકારે મૃત વ્યકિતને (અરજદાર) પક્ષકાર બનાવી ચૂકાદા સામેની અપીલ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં પક્ષકાર બનાવા માટે અરજદારના (મૃતક) વંશજ દ્વારા વિલંબ અરજી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ