અમદાવાદ: ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તલાટીની પરીક્ષાની તારીખની કાગડોળે જોવાતી રાહ પૂર્ણ થઇ છે. 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે. આ અંગે હસમુખ પટેલ દ્વારા અધિકારીક રીતે જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલથી એટલે ગુરુવારથી કન્ફર્મેશન માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે માટે સરકારે નવો નિર્ણય લીધો છે, પહેલા ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન લેવામાં આવશે, જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે, બીજા કોઈની નહીં લેવામાં આવે, મોટે ભાવે એવું થતું હોય કે ફોર્મ ભરી દીધું હોય પણ પછી પરીક્ષા આપવા જ ના આવે.
કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં: રાજ્ય સરકારના પ્રવક્તા અને પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો ન મળતા તલાટીની પરીક્ષા પાછી ઠેલાઇ છે. તલાટીની પરીક્ષા માટે કન્ફર્મેશન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કન્ફર્મેશન ન આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં તેમજ સંસાધનનો ખોટો ઉપયોગ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે.
3,437 જગ્યા માટે ભરતી: ગુજરાતમાં તલાટી કમ મંત્રીની 3,437 જગ્યા માટે 23 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી ચકાસણીના અંતે 17.20 લાખ ઉમેદવાર માન્ય ઠર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા આ પરીક્ષા યોજાઇ શકી નહતી. હવે નવી સરકાર બની ગયા પછી ફરીથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 7 મેના રોજ તલાટીની પરીક્ષા યોજાવાની છે.
સરકારી પરીક્ષાના પેપર ફૂટ્યા:
- 2014 - રેવન્યુ તલાટીની ભરતી
- 2014 - ચીફ ઓફિસર
- 2015 - તલાટીની પરીક્ષા
- 2018 - મુખ્ય સેવિકાની પરીક્ષા
- 2018 - નાયબ ચિટનીસની પરીક્ષા
- 2018 - લોકરક્ષકદળ
- 2018 - શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT
- 2018 - બિન સચિવાલય ક્લાર્ક
- 2021 - હેડ ક્લાર્ક
- 2021 - DGVCLમાં વિદ્યુક સહાયકની ભરતી
- 2021 - સબ- ઓડિટર
- 2022 - વનરક્ષકનું પેપર ફૂટ્યું
- 2022 - જૂનિયર ક્લાર્ક