અમદાવાદ : કોરોનાકાળ બાદ લોકોના રોજિંદા જીવન અને લાઈફસ્ટાઈલમાં ધરખમ ફેરફાર આવ્યા છે. જીવનમાં અન્ય સુવિધાઓ સાથે વ્યક્તિ સ્વાસ્થ્યને પણ મહત્વ આપતો થયો છે. પરંતુ આ સાથે કેટલીક નવી સમસ્યાઓ પણ શરુ થઈ છે. કોવિડના લોકડાઉન બાદ ઉમરલાયક લોકો સહિત યુવાનોમાં પણ કરોડરજ્જુ અને ગાદી ખસી જવાની તકલીફમાં વધારો નોંધાયો છે. ત્યારે જાણો સ્લીપ ડિસ્ક સહિતની તકલીફના કારણો અને યોગ્ય સારવારની રીત...
અજાણતા ઉભી થતી સમસ્યા : કોવિડ બાદ લોકોમાં આરોગ્ય પ્રત્યે ઘણી જાગરૂકતા આવી છે. તો બીજીબાજુ પોતાની લાઈફ સ્ટાઈલને લઈ દેખાવ, કપડા અને હરવા ફરવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લોકો ખર્ચ કરી રહ્યાં છે. પરંતુ બીજી બાજુ ઉતાવળે શારીરિક સ્વસ્થતા અને સૌષ્ઠવ મેળવવા જતાં એક સ્ટડીમાં જણાવ્યા અનુસાર શરીરના ખૂબ અગત્યના ભાગ એવા કરોડરજ્જુમાં તકલીફ થઈ હોવાનું જાણવા મળ્યું છે. અલબત્ત કરોડરજ્જુને લગતી તકલીફો અંગે સચોટ નિદાન અને ઈલાજ બાબતે હજુ પણ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે.
કરોડરજ્જુની તકલીફ પર રિસર્ચ : આ બાબતો જાણવા માટે ઓર્ચીડ ICU એન્ડ હોસ્પિટલના સ્પાઇન એન્ડોસ્કોપીસ્ટ ડો. અગમ ગાર્ગીયા દ્વારા કરોડરજ્જુની તકલીફથી પીડાતા 400 થી વધુ દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં કરોડરજ્જુની વિવિધ તકલીફો અને તેના કારણો અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. ઉપરાંત આ અભ્યાસ બાદના તારણમાં જે તથ્યો સામે આવ્યા તે ચોંકાવનારા અને આંખ ઉઘાડે તેવા છે.
ગાદી ખસી જવાની તકલીફ : અત્યાર સુધીમાં 400 જેટલી સ્પાઈન એન્ડોસ્કોપી સર્જરી કરી ચૂકેલા ડો અગમ ગાર્ગીયાએ દર્દીઓમાં કરોડરજ્જુની તકલીફ અને તેના કારણોનો અભ્યાસ કર્યા બાદ તારણ મેળવ્યા છે. જેમાં સામે આવેલી વિગતો અનુસાર ડો. ગાર્ગીયા કહે છે કે, કરોડરજ્જુની તકલીફોમાં સ્લીપ ડિસ્ક એટલે કે ગાદી ખસી જવી એ સૌથી વધુ સામાન્ય સમસ્યા છે. ઉપરાંત આ સમસ્યા થવાના કારણો પણ વિવિધ દર્દીઓમાં અલગ-અલગ જોવા મળ્યા છે. આમ સ્લીપ ડિસ્કમાં દર્દીની તકલીફ પ્રમાણે તેની ટ્રીટમેન્ટ પણ જુદી જુદી હોય છે.
સ્લીપ ડિસ્કના મુખ્ય કારણ : ડો. ગાર્ગીયાએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અગાઉ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં કરોડરજ્જુની સ્લીપ ડિસ્ક એટલે ગાદી ખસી જવાની તકલીફ જોવા મળતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. ખાસ કરીને લોકડાઉન બાદ લોકોના બદલાયેલા જીવનધોરણ, વ્યવસાય, લાઇફસ્ટાઇલ, વધુ પડતી અને આડેધડ કસરત, સાઈકલિંગ, ખાનપાન અને રોજિંદી આદતોના કારણે હવે યુવાનોમાં પણ સ્લીપ ડિસ્કની તકલીફ થતી હોવાના કેસ સામે આવ્યા છે.
શું તમે પણ આ ભૂલ કરો છો ? ઉલ્લેખનિય છે કે, સ્લીપ ડિસ્કની તકલીફમાં પ્રાથમિકથી માંડી ગંભીર દુઃખાવાના તબક્કે પણ ઘણા દર્દીઓ યોગ્ય સારવારને બદલે સામાન્ય કસરત અને ફિઝિયોથેરાપીને વળગેલા રહ્યાં હતા. જેના કારણે દર્દીઓએ લાંબો સમય હેરાનગતિનો સામનો કરવો પડ્યો હોવાનું પણ જોવા મળ્યું છે. આ અંગે ડો. ગાર્ગીયા જણાવે છે કે, સ્લીપ ડિસ્કની તકલીફમાં કસરત કે ફિઝિયોથેરાપી માત્ર પ્રાથમિક તબક્કે રાહત આપે છે. પરંતુ જો ગાદી ખસી જ ગઈ હોય કે ફાટીને બહાર આવી ગઈ હોય તેવા સંજોગોમાં યોગ્ય સર્જરી દ્વારા આ તકલીફનો કાયમી ઈલાજ કરી શકાય છે.
સચોટ સારવાર અને નિદાન : સ્પાઈન એન્ડોસ્કોપીસ્ટ ડો ગાર્ગીયા ઉમેરે છે કે, હાલમાં સ્પાઈન સર્જરીમાં ઓપન સર્જરી, માઈક્રો સર્જરી અને સ્પાઈન એન્ડોસ્કોપી સર્જરીથી કરોડરજ્જુના વિવિધ ઓપરેશન થાય છે. તેમાં પણ સ્પાઈન એન્ડસ્કોપી સર્જરી દર્દીઓ વધુ પસંદ કરી રહ્યાં છે. કારણ કે અન્ય સર્જરીની સરખામણીમાં એન્ડોસ્કોપીમાં દર્દીને બેભાન કર્યા વગર પીઠમાં માત્ર એક સેન્ટીમીટર જેટલું કાણું કરીને સર્જરી કરી દેવામાં આવે છે. અન્ય સર્જરીની માફક વધુ વાઢકાપ ન હોવાથી દર્દીને એક જ દિવસ બાદ રજા આપી દેવામાં આવે છે. ઉપરાંત બે થી ત્રણ દિવસમાં દર્દી પોતાની રૂટિન અને નોર્મલ લાઈફ જીવી શકે છે. જ્યારે અન્ય સર્જરીમાં દર્દીને 4-5 દિવસથી માંડી એક અઠવાડિયાથી વધુ સમય હોસ્પિટલમાં દાખલ રહેવું પડે છે.
યોગ્ય નિદાનનો અભાવ સૌથી મોટી ભૂલ : આ ભૂલ ન કરશો હાલના અભ્યાસ અનુસાર સ્લીપ ડિસ્કના મુખ્ય કારણોમાં બિનજરૂરી વધુ એકસરસાઈઝ, વેઇટ લીફટિંગ, સાઈકલિંગ, બોડી બિલ્ડીંગ અને પડી જવું અથવા અકસ્માત હોઈ શકે છે. આ ઉપરાંત વધુ પડતું વાહન ચલાવવું, ઓવરવેઇટ હોવું પણ કારણ હોઈ શકે. અંતે સ્લીપ ડિસ્કમાં પ્રાથમિક તબક્કે યોગ્ય નિદાનના અભાવે આ તકલીફ વધુ ગંભીર બને તેવી શક્યતા હોય છે.
સૌથી સરળ સ્પાઈન એન્ડોસ્કોપી : કરોડરજ્જુને લગતી તકલીફોના નિદાન માટે સ્પાઈન એન્ડોસ્કોપીને દર્દીઓ વધુ પસંદ કરે છે. કારણ કે તેમાં દર્દીને બેહોશ કરવો પડતો નથી પરિણામે બ્લડ પ્રેશર કે હૃદયના દર્દીઓને પણ સરળતાથી સર્જરી કરી શકાય છે. સ્પાઈન એન્ડોસ્કોપી માટે દર્દીની પીઠમાં માત્ર એક સે.મીનું કાણું કરી દૂરબીન વડે એક થી બે જ કલાકમાં સર્જરી કરી શકાય છે. આ સર્જરીમાં દર્દીની વાઢકાપ કરવી પડતી નથી. પરિણામે દર્દીને 24 કલાકમાં જ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. સર્જરી કરાવ્યા બાદ ત્રણ દિવસમાં જ દર્દી પોતાની નોર્મલ અને રૂટિન લાઈફ જીવી શકે છે.