અમદાવાદઃ કોરોના વાઇરસને પગલે સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. અને તેને ઉદ્દેશીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ રાખવનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ લોકો બહાર નીકળી રહ્યા છે. જો આ લોકોમાંથી કોઈ એકને પણ કોરોના પોઝિટિવ કેસ નીકળે તો એ મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. જમાલપુર ફ્લાયઓવર પાસે વહેલી સવારે લોકો મોટી સંખ્યામાં બહાર જાહેર માર્ગો પર જોવા મળ્યા હતા. કેટલીક શેરીઓમાં પણ લોકો બહાર ટોળામાં એકત્ર થઈને ઉભા નજરે પડ્યા હતા. જાહેર માર્ગો પર રિક્ષાઓની અવર-જવર પણ જોવા મળી હતી. વર્તમાન પરિસ્થિતિ આ જ રહેશે, તો ચંદીગઢની જેમ અહીં પણ કરફ્યૂ લાદી શકાય છે.
નોંધનીય છે કે, જમાલપુર-ખાડિયા ગીચ વસ્તી ધરાવતા કોટ વિસ્તાર છે. ગઈકાલે જ ત્યાં કોરોનાના ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સાઉદીથી ઉમરાહ કરીને આવેલા દંપતિ અને અન્ય એક શખ્સમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો નજરે આવતા હેલ્પલાઇન 104 થકી તેમને અને પરિવારજનોને ચેક-અપ માટે લઈ જવામાં આવ્યા હતા. વસ્તી ગીચતા અને સાંકડી ગલીઓમાં વાઇરસ વધુ ન ફેલાય તેના માટે લોકો દ્વારા પોળમાં જતો રોડ બંધ કરી દીધો હતો.