અમદાવાદ : શેરબજારની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. ટ્રેડિંગ સેશન દરમિયાન અને વીકલી એક્સપાયરી હોવાથી લેવાલી અને વેચવાલી એમ બેઉ તરફી કામકાજ જોવા મળ્યા હતા. આજના ટ્રેડિંગ સેશનમાં બેંક શેરોમાં જોરદાર ખરીદી નીકળી હતી. તેમજ રિયલ્ટી, ઓટોમોબાઈલ અને એફએમસીજી સેકટરના શેરોમાં નવી લેવાલી હતી. જેથી સતત નવમાં દિવસે શેરબજાર પ્લસમાં બંધ રહ્યું હતું.
સેન્સેક્સ 38.23 પ્લસ બંધ રહ્યો : મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 60,364.41ના નીચા મથાળે ખુલ્યો હતો, શરૂમાં ઘટી 60,081.43 થઈ અને ટ્રેડિંગ સેશનના મધ્યભાગ પછી ઝડપી વધી 60,486.91 થઈ અને અંતે 60,431.00 બંધ થયો હતો, જે 38.23(0.06 ટકા)નો સુધારો દર્શાવે છે.
નિફટી 15.60 વધ્યો : નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ 17,807.30ની નીચા મથાળે ખુલીને શરૂમાં ઘટી 17,729.65 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 17,842.15 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 17,828.00 બંધ થયો હતો. જે 15.60(0.09 ટકા)નો સુધારો દર્શાવે છે.
આઈટી સેકટરમાં વેચવાલી : ટીસીએસના પરિણામ પછી આઈટી સેકટરના શેરોમાં વેચવાલી ફરી વળી હતી. અને આઈટી ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો હતો. જ્યારે બેંક શેરોમાં નવી લેવાલી ચાલુ રહી હતી. પરિણામે બેંક નિફટી 10 સપ્તાહના ઊંચા સ્તરે બંધ રહ્યો હતો.
આ પણ વાંચો Inflation FY23: RBI આ વર્ષે રેપો રેટમાં ઘટાડો કરી શકે
રોકાણકારોની સંપત્તિમાં રૂ.28,000 કરોડનો વધારો : બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજે 13 એપ્રિલે વધીને રૂ.265.93 લાખ કરોડ થયું હતું. જે ગઈકાલના 12 એપ્રિલના રૂ.265.65 લાખ કરોડ હતું. આમ આજે કુલ માર્કેટ કેપ 28 હજાર કરોડ રૂપિયા વધ્યું છે. એટલે કે આજની તેજીથી રોકાણકારોની સંપત્તિમાં 28 હજાર કરોડનો વધારો થયો છે.
સૌથી વધુ ઊંચકાયેલા શેર : બીએસઈ સેન્સેક્સ આધારિત 20 શેરોમાંથી 17 શેરના ભાવ પ્લસમાં બંધ રહ્યા હતા. જેમાં ઈન્ડુસઈન્ડ બેંક 3.15 ટકાની તેજી સાથે બંધ થયો હતો. પાવર ગ્રીડ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક અને બજાજ ફિનસર્વના શેર મજબૂત બંધ થયા હતા.
સૌથી વધુ ગગડેલા શેર : સેન્સેક્સના બાકીના 13 શેરના ભાવ ઘટીને માઈનસમાં બંધ થયા હતા. જેમાં ઈન્ફોસીસ 2.79 ટકા તૂટ્યો હતો. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, ટીસીએસ અને એનટીપીસી સૌથી વધુ ગગડ્યા હતા.
એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ : બીએસઈમાં એડવાન્સ ડેકલાઈન રેશિયો પર નજર કરીએ તો રેશિયો પોઝિટિવ હતો. કુલ 3610 શેરમાં ટ્રેડ થયા હતા, જેમાંથી 1912 શેર વધીને બંધ થયા હતા અને 1574 શેર ઘટીને બંધ થયા હતા. તેમજ 124 શેર ફેરફાર વગર બંધ થયા હતા.