અમદાવાદ : આજે પ્રદેશ ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ્ કાર્યાલય ખાતે મતદાન જાગૃતિ અભિયાનની પ્રદેશ કક્ષાની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયા અને લોકસભા સાંસદ રેખા વર્માની ખાસ ઉપસ્થિતિ રહી હતી. ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, મતદાતા જાગૃતિ અભિયાન ઝુંબેશ દેશભરમાં ચાલી રહી છે. જેમાં જે યુવાનો 18 વર્ષના થયા તેના ચૂંટણી કાર્ડ કાઢી આપવામાં આવશે. જેથી નવા મતદારોને મત આપવાનો અધિકાર મળી શકે.
મતદાતા નોંધણી : ગોરધનભાઈ ઝડફિયાએ અભિયાનની માહીતી આપતા કહ્યું હતું કે, નવા મતદારોની નોંધણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આજે દરેક 5 જિલ્લામાં વર્કશોપ યોજવામાં આવ્યો છે. મતદાતા ટ્રેન્ડિંગ વર્કશોપ સમગ્ર ગુજરાતમાં તાલુકા દીઠ શરૂ થશે. ઉપરાંત 25 અને 26 ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં એક વિરાટ અભિયાન યોજાશે. જેમાં પાર્ટીના દરેક હોદ્દેદારોથી લઇ નાનામાં નાના કાર્યકર્તા પોતાના મત વિસ્તારમાં ઘેર ઘેર જઈને મતદાતા નોંધણી કરશે.
નવા મતદાતાઓને પ્રેરિત કરીને જાગૃત કરવા એ ભારતીય જનતા પાર્ટીનું અભિયાન છે. એના માટે ઘરે ઘરે જઈને મતદાન બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. ઉપરાંત મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે.-- ગોરધનભાઈ ઝડફિયા (ઇન્ચાર્જ, મતદાતા જાગૃતિ અભિયાન)
યુવાનોને અપીલ : લોકસભા સાંસદ રેખા વર્માએ જણાવ્યું હતું કે, નવા મતદાતા ચેતના અભિયાન અંતર્ગત આજે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા ચેતના અભિયાન થકી નવા મતદાતાને શોધી નોંધણી કરવાનું કામ શરૂ થઈ રહ્યું છે. જેમાં જેમની ઉંમર 18 વર્ષ થઈ છે. તેવા મતદાતાઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે બીજેપી દ્વારા અપીલ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત પ્રદેશ સ્થળ, જિલ્લા સ્થળ અને તાલુકા સ્થળ ઉપર ભાજપ દ્વારા ટીમ બનાવીને વર્કશોપનું આયોજન કરવામાં આવશે.
કમલમમાં બેઠક : આ કામગીરીમાં બીએલઓથી લઈને ચૂંટાયેલા સભ્યો અને બીજેપીના બુથ લેવલના કાર્યકર્તાઓ પણ નવા મતદારોને શોધવાનું કામ કરશે. 31 તારીખ સુધી આ મતદાર જાગૃતિ અભિયાન ચાલશે. જેમાં સાંસદ પણ પોતાના માટે વિસ્તારમાં મતદાર નોંધણીનું કામ કરશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ લોકસભાના સાંસદ રેખા વર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને મતદાતા જાગૃતિ અભિયાનના ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.