અમદાવાદ : સ્ટેટ GST વિભાગ દ્વારા રાજ્યમાં એનિમેશન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતે દરોડા પાડ્યા હતા. જેમાં રાજ્યમાં કુલ 39 સ્થળે દરોડાની કાર્યવાહી દરમિયાન 5.70 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે. SGST વિભાગે 2.75 કરોડની વસુલાત કરી છે. તેમજ મિલકત પણ ટાંચમાં લીધી છે.
SGST વિભાગના દરોડા : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી પ્રેસ વિજ્ઞાપ્તિ અનુસાર માર્કેટ ઇન્ટેલિજન્સ તથા સિસ્ટમ બેઝ એનાલિસિસના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આવી કાર્યવાહીના ભાગરૂપે સ્ટેટ GST વિભાગને ધ્યાને આવ્યું હતું કે, એનિમેશન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યૂટના સંચાલકો દ્વારા જીએસટી કમ્પલાયન્સ યોગ્ય રીતે કરવામાં આવતું નથી. આ સેક્ટરમાં અપાતી સર્વિસ મુજબ વેરો ભરવામાં આવતો નથી. જેથી વિભાગ દ્વારા મલ્ટીમીડિયા, એનિમેશન અને અન્ય કોમ્પ્યુટરના કોચિંગની સેવાઓ પૂરી પાડતાં કુલ 15 પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટના 39 સ્થળો ઉપર 26 જુલાઈ 2023 થી દરોડા પાડીને તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
આવી રીતે થતી કરચોરી : તપાસની કાર્યવાહીમાં ઘણા એનિમેશન મલ્ટીમીડિયા ઇન્સ્ટિટયૂટ જીએસટી કાયદા હેઠળ નોંધણી નંબર લેવા જવાબદાર હોવા છતાં નોંધણી નંબર મેળવ્યો ન હતો. ઉપરાંત વેરો ભરવાનું ટાળ્યું હોવાનું ધ્યાને આવ્યું છે. આ પેઢીઓના હિસાબી સાહિત્ય, બેન્ક સ્ટેટમેન્ટ અને લોકર વગેરેની તપાસના કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ધ્યાને આવ્યું હતું કે, ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થી તેમજ બેચની સંખ્યા તેમજ ફીની રકમ છુપાવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી રોકડેથી વસૂલ કરી તેના ઉપર ભરવા પાત્ર વેરો ભરવામાં આવતો નથી.
5.70 કરોડની કરચોરી : સ્ટેટ GST ની તપાસની કાર્યવાહીમાં ઉપરોક્ત મુદાઓ આધારિત કુલ 5.70 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી. જે પૈકી 2.75 કરોડની વસૂલાત પણ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે. બાકીની વસૂલાતની કાર્યવાહી હાલ ચાલુ છે. સરકારી રેવન્યુની સલામતી માટે SGST વિભાગે જંગમ અને સ્થાવર મિલકતો પણ કામચલાઉ રીતે ટાંચમાં લીધી છે.