અમદાવાદ : મન હોય તો માળવે જવાય. એ કહેવતને સાર્થક કરી છે અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા પિતા પુત્રએ ધોરણ 10ની પરીક્ષા એકસાથે પાસ કરી છે. શહેરના વાડજ વિસ્તારમાં રહેતા પિતા વિરભદ્રસિંહ એક સ્કૂલમાં પટ્ટાવાળાની નોકરી કરતાં હતા. તેમને ભણવાની ઈચ્છા થઈ આવી. તેમણે વિગતો મેળવીને એક્સ સ્ટુડન્ટ તરીકે ધોરણ 10ની પરીક્ષાની પુત્રની સાથે રહીને તૈયારીઓ કરી પરીક્ષા પાસ કરી છે.
મેં સૌથી પહેલા 1998- 99ની અંદર અભ્યાસ છોડી દીધો હતો. અત્યારે મારો પુત્ર યુવરાજસિંહ ધોરણ 10ની પરીક્ષા આપતો હતો. તેને જણાવ્યું કે, અત્યારે પરીક્ષા આપી શકાય છે. તેની વિગત અને માહિતી મે પ્રાપ્ત કરી હતી. ડીપી હાઈસ્કૂલ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હતી અને આ વર્ષે 45 ટકા પ્રાપ્ત કરીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. - વિરભદ્ર સિંહ
પિતા પુત્રએ સાથે આપી પરીક્ષા : તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું અને મારો પુત્ર યુવરાજસિંહ સાથે ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરતાં હતા. દિવસે હું એક શાળાની અંદર પટ્ટાવાળાની નોકરી કરતો હતો અને રાત્રે આવીને હું અને મારો દીકરો સાથે પરીક્ષાની તૈયારી કરતા હતા. જે પણ વિષયમાં મને મુશ્કેલી અનુભવાતી હતી. તે હું સ્કૂલના શિક્ષકો સાથે માર્ગદર્શન મેળવતો હતો અને તે શીખી લેતો હતો. મારા પુત્રની પણ મદદ માંગતો હતો. તેથી હું આ ધોરણ 10ની પરીક્ષામાં 45 ટકા પ્રાપ્ત થયા છે. જ્યારે મારા પુત્ર યુવરાજસિંહને 79 ટકા પ્રાપ્ત થયા છે.
અભ્યાસ કરવાની કોઈ ઉંમર નક્કી નથી હોતી : વિરભદ્રસિંહે વધુમાં ઉમેર્યું હતું કે, મેં જ્યારે 1999માં અભ્યાસ છોડ્યો હતો, પરંતુ અભ્યાસ કરવાની કોઈપણ ઉંમર હોતી નથી, એવું મનમાં નક્કી કર્યું હતું અને મેં મારા પુત્ર સાથે મળીને આ વખતે મેં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. અમે પિતા પુત્ર બંને સાથે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે. મારો પુત્ર યુવરાજસિંહ આગળ કોમર્સ લઈને C.A બનાવી ઈચ્છા વ્યક્ત કરી છે. અને જો શક્ય બનશે તો હું પણ આવનાર સમયમાં ધોરણ 12ની પણ પરીક્ષા આપીશ.
ધોરણ 10નું 64.62 ટકા પરિણામ : ઉલ્લેખનીય છે કે 25 મે, 2023ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ શહેરનું 64.18 ટકા પરિણામ આવ્યું છે.