અમદાવાદ: અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં વધુ એક વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ગવર્નમેન્ટ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજમાં મૂકબધિર માટે ફિઝીઓથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થોટિકલ અને ઓર્થોટીક્સ જેવા વિભાગો આવેલા છે. તમામ સુવિધાઓથી સજ્જ એવી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી ગવર્નમેન્ટ ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજમાં મૂકબધિર દર્દીઓ માટે વધુ એક ટ્રીટમેન્ટ ઉપલબ્ધ કરવામાં આવી છે.
મૂકબધિરોને મળશે સ્પિચનલ ટ્રીટમેન્ટ: મૂકબધિર બાળકો માટે સ્પિચનલ ટ્રીટમેન્ટ અંતર્ગત હવે ઓડિયોની સ્પીચ થેરાપી આપી શકે તે માટે સોલા હોસ્પિટલમાં 20 સીટો માટે સાડા ચાર વર્ષનો એક કોર્સ શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલી ગવર્નમેન્ટ ઓડીયોલોજી એન્ડ સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજમાં વધુ 10 સીટોને મંજૂરી મળી છે. ત્યારે સોલા હોસ્પિટલમાં 20 અને સિવિલ હોસ્પિટલમાં 10 સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં 20 સીટો સાથે કુલ 50 સીટોને આ થેરાપીનો લાભ મળી શકશે. રાજ્ય સરકાર દ્વારા 40 કરોડના ખર્ચે આ યોજના શરૂ કરવામાં આવી છે.
વર્ષમાં 50 દર્દીઓને મળશે સેવા: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્પિચનલ ટ્રીટમેન્ટ વિભાગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેના ઉદઘાટન પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ સંસ્થા ખાતે અત્યાર સુધીના અત્યાધુનિક સાધનો વસાવવામાં આવ્યા છે અને વર્ષ દરમ્યાન 50 દર્દીઓ સેવા લઈ શકશે. ગુજરાત સરકારે શાળા આરોગ્ય હેઠળનો વિના મૂલ્યે કરવામાં આવતો કોકલિયર ઇમ્પલાન્ટનો પ્રોગ્રામ છે. જેમાં મૂકબધિરોને ટ્રીટમેન્ટ પહેલા અને પછી જે સેવાઓ આપવામાં આવતી હતી તે તમામ સેવાઓ અહીં સંપૂર્ણ પણે ફ્રીમાં મળી શકશે.
મેડિકલ ક્ષેત્રે મોટી ભેટ: આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના પ્રયાસ થકી આજે ગુજરાતને મેડિકલ ક્ષેત્રે મોટી ભેટ મળી છે. ગુજરાતમાં હવે મુકબધિર સહિત કેન્સરના દર્દીઓને પણ આ સેવા મળી શકશે. જેથી હવે ગુજરાત પણ આરોગ્ય સેવાઓ બાબતે મોટી હરણફાળ ફરી રહ્યું છે, ત્યારે એશિયાની સૌથી મોટી ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલમાં આવનારા સમયમાં પણ આરોગ્યલક્ષી તમામ વિભાગોમાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે સરકારના પ્રયાસો નિરંતર ચાલુ જ રહેશે.