અમદાવાદ : આગામી વર્ષમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામ ભગવાનની સ્થાપના થવા જઈ રહી છે. આ અંતર્ગત 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટેની મોટા ભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આ પ્રસંગ દેશભરના લોકો નિહાળી શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : આ અંગે વિશ્વ હિંદુ પરિષદના ગુજરાત ક્ષેત્રમંત્રી અશોક રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે, કેટલાય વર્ષોથી જે ક્ષણની રાહ જોવાઈ રહી હતી તે હવે આવી ગયો છે. ભગવાન રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યામાં યોજાશે. ત્યારે આ આનંદોત્સવ મનાવવાની યોજના છે. જે અંતર્ગત દેશના દરેક ગામ અને મોહલ્લા પોતાના વિસ્તારના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ટેલિવિઝનના માધ્યમથી લાઇવ નિહાળશે. દરેક ગામના લોકોને મંદિરમાં એકત્રીત કરી રામ નામની માળા, ભજન અને કીર્તન કરવામાં આવશે. ત્યારબાદ TV પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિહાળી અને પ્રસાદ આપવામાં આવશે. ઉપરાંત સાંજે દરેક ઘરમાં દિપાવળીની જેમ દીપમાળા પ્રગટાવામાં આવશે.
દેશવ્યાપી જનસંપર્ક કાર્યક્રમ : આ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિંદુ પરિષદ અને સંપૂર્ણ સંઘ પરિવાર કાર્યરત છે. જેમાં વર્ષ 2024 ના 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી દરમિયાન દેશભરના તમામ ક્ષેત્ર, ગામ અને શહેરના તમામ ઘરનો સંપર્ક કરી લગભગ 10 કરોડ પરિવારોને આ ભગીરથ કાર્યમાં સહયોગી બનાવાશે. આ જનસંપર્ક દરમિયાન ભગવાન રામ મંદિરનું ચિત્ર તેમજ આમંત્રણ પત્રિકા અને અક્ષત દ્વારા સૌને આમંત્રિત કરવામાં આવશે. ગામના મંદિરમાં ઉપસ્થિત રહી આનંદોત્સવ મનાવવા દરેક પરિવારને આમંત્રણ આપવા માટે ચોખા આપી આમંત્રિત કરાશે. ગુજરાતમાં 1 કરોડ પરિવારોમાં અને 19 હજાર ગામોમાં આ રીતે જનસંપર્ક કરવામાં આવશે.