અમદાવાદઃ જાપાનના કોબે શહેરથી કોબે શહેરના મેયર કીઝો હિસમોટોની આગેવાની હેઠળ 51 લોકોનું ડેલીગેશન અમદાવાદની મુલાકાતે આવ્યું હતું. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદના મેયર બીજલ પટેલ પણ હાજર રહ્યા હતા.
અમદાવાદ અને જાપાનના કોબે શહેર વચ્ચે મિત્રતા વધે તેને લઈને અમદાવાદના મેયર તથા તેમની ટીમ જાપાનના પ્રવાસે ગયા હતા. કોબે બાયોમેડિકલ ઈનોવેશન ક્લસ્ટર, અન્ય સ્થળો તથા સંસ્થાઓની મુલાકાત માટે કોબે શહેરના મેયર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે-સાથે આ મિશન દરમિયાન જાપાન ઈન્ફોમેશન એન્ડ સ્ટડી સેન્ટર, ઈન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તેમજ અમદાવાદની 3 સંસ્થા ઈન્ડિયા ક્લબ, ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ અને ઈંડિયન સોસિયલ સોસાયટી કે, જે જાપાનમાં આવેલી ત્રણ સંસ્થાઓ છે. જેમના વચ્ચે પણ MOU કરાયા છે.
અમદાવાદની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. હવે અમદાવાદનો વિકાસ જાપાનના કોબે શહેરની જેમ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને જાપાન વચ્ચે બિઝનેસ, શિક્ષણ અને સંસ્કૃતિની આપ-લે વધે તેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ જ પ્રયત્નોના ભાગ રૂપે જાપાનનું કોબે અને અમદાવાદ સિસ્ટર સિટી બન્યા છે.
ભારતના જાપાન માટેના એમ્બેસેડર સંજય કુમાર અને કોબેના મેયર કિઝો હિસમોટોએ જાપાનના કોબેમાં MOU સાઈન કર્યા હતા. એગ્રીમેન્ટને કારણે એક બીજાથી સાવ જુદા શહેરોના સંબંધો સામાન્ય બનશે. કોબે એશિયાનું ક્રિએટિવ ડિઝાઈન સિટી છે. જ્યારે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. આ એગ્રીમેન્ટ પછી બન્ને શહેરો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને બિઝનેસ ક્ષેત્રે આપ-લે વધશે.
જાપાનમાં ગુજ્જૂઓનો ગઢ કોબે છે, જ્યાં જૈનો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને મોતીનો વ્યવસાય કરે છે. જાપાનમાં ગુજરાતીની સંખ્યા 1,400 જેટલી છે. કોબે શહેરમાં સૌથી વધુ ગુજરાતીઓ વસે છે. જાપાનના ઈન્ડિયા ક્લબ ખાતે દર શુક્રવાર અને રવિવારે બધા ગુજરાતીઓ મળે છે અને ખાણીપીણીના આયોજન સાથે ત્યા જમાવડો કરે છે. કોબેમાં વસતા ગુજરાતીઓમાં મોટા ભાગના જૈનો છે. જાપાનનો ગુજરાતી સમાજ તમામ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. ખાસ કરીને જૈન સંવત્સરીના દિવસો ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ઈન્ડિયા ક્લબમાં ફક્ત ભારતીય લોકોને જ જમવા માટે પ્રવેશ મળે છે. વર્ષમાં માત્ર એક દિવસ હોય છે જેમાં ગમે તેને પ્રવેશ મળે. તે વખતે જાપાની લોકો ઉમટી પડે છે.