શક્તિસિંહ ગોહિલ વ્યવસાયે વકીલ અને 25 વર્ષનો અનુભવ ધરાવતા હોવા છતાં ભૂલ કરતા કોર્ટે તેમને ભૂલ સુધારી નવો એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલ કે જે અહેમદ પટેલના પોલિંગ એજન્ટ હતા. તેમના પર મતપત્રક છીનવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. હાઇકોર્ટે શક્તિસિંહ ગોહિલને આવતી કાલે નવું એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે.
પીટીશનર બળવંતસિંહના વકીલ દ્વારા એફિડેવિટને લઈ કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. વાંધાને લગતી દલીલો સાક્ષીની પ્રત્યક્ષ હાજરીમાં ન થઈ શકે તેથી કોર્ટે શક્તિસિંહને કોર્ટ રૂમની બહાર જવા આદેશ કર્યો. જેથી શક્તિસિંહ કોર્ટ રૂમની બહાર ગયા. શક્તિસિંહ દ્વારા કુલ 28 પાનાનું સોગંદનામુ કરવામાં આવેલ જે પૈકી ચારથી પાંચ પાનામાં શક્તિસિંહે મીડિયા રીપોર્ટ અને પ્રેસ કોન્ફરન્સના વીડિયો ફુટેજની ટ્રાન્સ્ક્રીપ્ટ હિન્દી ભાષામાં લખી હતી.
ઉપરાંત યુટ્યુબ વીડિયોની પણ ટ્રાન્સ્ક્રીપ્ટ તે જ રીતે લખી હતી. આ ઉપરાંતના બાકીના પાનામાં પણ અગાઉ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલી વીડિયો સી.ડી. અને પેનડ્રાઈવમાં ધારાસભ્ય દ્વારા પાર્ટીની તરફેણમાં આપવામાં આવેલા નિવેદનો લખાણ સ્વરૂપે રજૂ કર્યા હતા.
જેનો બળવંતસિંહ રાજપુતના વકીલ વિરોધ કરીને વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે હવે હાઇકોર્ટે શક્તિસિંહ ગોહિલને આવતી કાલે નવું એફિડેવિટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરતા શુક્રવારે શક્તિસિંહ ગોહિલની હાઇકોર્ટમાં જુબાની લેવામાં આવશે. અગાઉ પણ અહેમદ પટેલ વતી જુબાની માટે આવેલા સાક્ષીઓએ તેમની એફીડેવિટમાં આવી રજુઆતો કરી હતી. જેના કારણે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કોર્ટનો સમય ખરાબ કરતા હોવાનું કહી અહેમદ પટેલને 5 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.