અમદાવાદઃ શહેરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાને ડામવા માટે થઈ અમદાવાદ શહેર પોલીસ સતર્ક બની છે. જેને લઇ શાહપુર પોલીસ છેલ્લા કેટલાક દિવસોથી બે ચોર ઈસમો રાંધણગેસની ચોરી કરી રહ્યા હોય તેવી માહિતી મળતા જ સતર્ક થઇ હતી.
આ માહિતીના આધારે બન્ને ચોરને દબોચી પાડવા માટે થઈ સતત તપાસ કરી રહી હતી. જેને લઇ શાહપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી જીતેશભાઈ અને અન્ય પોલીસકર્મીને એક ચોક્કસ માહિતી મળી હતી કે, નંબર પ્લેટ વગરની રિક્ષા લઇ અમદાવાદ શહેરની અંદર રાધણ ગેસની ચોરી કરી રહેલા બે ઈસમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જેથી સતત દિવસ અને રાત કામગીરી કરી સીસીટીવીની મદદના આધારે અમદાવાદ શહેરમાં બન્ને ચોરની M.O.ના આધારે તપાસ કરી રહ્યા હતા. જે દરમિયાન બન્ને ચોર શહેરના શાહપુર વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા છે, ત્યારે બાતમીના આધારે બન્નેને દબોચી પાડવામાં આવ્યા હતા.
સરફરાજ અને દાનિશ નામના બન્ને ચોરી ઈસમોની શાહપુર પોલીસ દ્વારા કડક રીતે પૂછપરછ કરતા બન્ને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે થઈ અમદાવાદ શહેરમાં ચોરીને અંજામ આપી રહ્યા હતા. જેમાં સરફરાજ અને દાનિશ બન્ને રાંધણ ગેસ ડિલિવરી કરવા ગયેલા વાહનમાંથી રાંધણગેસની ચોરીને અંજામ આપતા હતા. સરફરાજ અને દાનિશ બંને ખુબ જ સાતીર ચોર હતા. તેમને કોઈ પકડી ન લે તે માટે નંબર પ્લેટ વગરની રિક્ષા લઈને ચોરીને અંજામ આપી રહ્યા હતા. રાંધણગેસની ચોરી કર્યા બાદ રાંધણ ગેસને હોટેલ રેસ્ટોરેન્ટ, ચાની લારી કે અન્ય છૂટક છવાયેલી લારીઓ ઉપર નજીવી કિંમતે વેચી દેતા હતા. આ બંનેએ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. જેમાં હાલ 45થી વધુ રાંધણગેસ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યા છે, ત્યારે હાલ શાહપુર પોલીસના હાથે સરફરાજ અને દાનીશ બંને ચોરને દબોચી પાડ્યા છે.
જો કે, મહત્વની વાત એ છે કે, શાહપુર પોલીસના બે પોલીસ કર્મીઓ છેલ્લા કેટલાય દિવસોથી સરફરાજ અને દાનિશને પકડવા માટે થઈ સતત મહેનત કરી રહ્યા હતા, ત્યારે સીસીટીવી અને બાતમીદારોના આધારે બન્નેને દબોચી પાડ્યા છે. હાલ બંનેની પૂછપરછ ચાલી રહી છે કે, હજુ કેટલાંક ગેસ સિલિન્ડરોની તેઓએ ચોરી કરેલી છે.