અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદ દરમિયાન ગુજરાતમાં અનેક સ્થળોએ વીજળી પડવાના બનાવો બન્યા હતા. આ વીજ પ્રપાતમાં કુલ 20 લોકોના મૃત્યુ થયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિશ શાહે ગુજરાતમાં વીજ પ્રપાતમાં મૃત્યુ પામેલ નાગરિકો માટે શોક વ્યક્ત કર્યો હતો. તંત્ર દ્વારા રાહત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
SEOC તરફથી મળેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ચાર, ભરુચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક એક વ્યક્તિનું વીજળી પડવાથી મૃત્યુ થયું છે.
રવિવાર રાત્રે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને લીધે મૃત્યુ પામેલ નાગરિકોના સમાચારથી ખૂબ દુઃખ થયું હોવાનું જણાવ્યું હતું. તેમણે મૃતકો પ્રત્યે ઊંડી સંવેદના પણ વ્યક્ત કરી હતી. તેમણે મૃતકોના પરિવારજનોને પણ સાંત્વના પાઠવી હતી. સ્થાનિક તંત્ર રાહત કામગીરી કરી રહ્યું હોવાનું જણાવી તેમણે ઘાયલો સત્વરે તંદુરસ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.
ભારતીય હવામાન વિભાગ(IMD) જણાવે છે કે સોમવારે વરસાદની અસર હળવી બનશે. SEOC તરફથી મળેલ માહિતી અનુસાર ગુજરાતના 252 માંથી 234 તાલુકાઓમાં રવિવારે વરસાદ પડ્યો હતો. સુરત, સુરેન્દ્રનગર, ખેડા, તાપી, ભરુચ અને અમરેલી જિલ્લામાં 16 કલાકમાં 50થી 117 મિમી વરસાદ પડ્યો હતો. જેનાથી સામાન્ય જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું અને ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે.
રાજકોટના કેટલાક વિસ્તારોમાં કરાનો વરસાદ થયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ અચાનક આવી પડેલા વરસાદની મજા માણી હતી. અધિકારીઓએ વરસાદને કારણે પાકને નુકસાન થવા ઉપરાંત મોરબીના સિરામિકના કારખાના પણ બંધ રાખવા પડ્યા હોવાનું જણાવ્યું છે.
સોમવારે વરસાદ ઓછો થઈ જશે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર જિલ્લાઓ પૂરતો મર્યાદિત થઈ જશે. ઉત્તર પૂર્વીય અરબ સાગર અને આસપાસના સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારો પર બનેલ ચક્રવાતી પરિસ્થિતિને લીધે વરસાદ પડ્યો છે...મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ, અમદાવાદ)