વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર આવી રહ્યો છે, જેને લઈને ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ સતર્ક બન્યું છે. દરિયાયી વિસ્તારોમાં NDRFની ટીમોને તૈનાત કરી દેવાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ 15 જૂન દરમિયાન રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનું જે આયોજન કરાયું હતુ તેને રદ કર્યો છે અને સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓની શાળાઓમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. મુખ્યપ્રધાને આ બેઠકમાં અધિકારીઓ પાસેથી વાવાઝોડાને લઈને કેવા પ્રકારની તૈયારીઓ છે તેમજ આવા સમયમાં શું કરી શકાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યની તમામ શાળા કોલેજો પણ આ વાવાઝોડાને લઈને તંત્રના આદેશથી સાવચેતી વર્તી રહ્યું છે. ત્યારે GTU દ્વારા આગામી 12 અને 13 જુને લેવાનાર તમામ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે અને 14 જૂનથી રાબેતા મુજબ આવતી પરીક્ષાઓ લેવામાં આવશે. રદ્દ કરાયેલી પરીક્ષાનો કાર્યક્રમ GTUની વેબસાઈટ ઉપર આગામી સમયમાં જાહેર કરાશે.