અમદાવાદ:કોરોના વાઈરસ ન ફેલાય તેના માટે શાળાકોલેજો, મોલ-મલ્ટીપ્લેક્સને થોડા સમય સુધી બંધ કરી દેવામાં આવ્યાં છે, હાઈકોર્ટમાં પણ તાત્કાલિક કેસોની જ સુનાવણી કરવામાં આવી રહી છે ત્યારે કેદીઓમાં કોરોના વાઈરસ ન ફેલાય અને મુદત દરમિયાન કોર્ટમાં હાજરી ન આપવી પડે તેા માટે સાબરમતી સેન્ટ્રલ જેલ સ્પેશિયલ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગથી જજ સમક્ષ હાજર કરવામાં આવશે.
સાબરમતી સેન્ટ્રલ જેલમાં 3 હજારથી વધું કેદીઓ છે ત્યારે વાઈરસ ન ફેલાય તેના માટે પાંચ મેડિકલ ડોક્ટરોની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે જ્યારે કેદીઓને માસ્ક પણ વહેંચવામાં આવ્યાં છે. કોરોના ન ફેલાય અને કેદીઓને મુદત દરમિયાન કોર્ટમાં હાજર ન થવું પડે તેના માટે હાઈકોર્ટ, નીચલી કોર્ટ સહિત તમામ કોર્ટને જેલ સત્તાધીશો દ્વારા પત્ર થકી જાણ કરવામાં આવી છે. એટલું જ નહીં, જેલના કેદીઓમાં કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાશે તો તેમને જેલ પરિસરમાં જ ઉભા કરાયેલા આઈસોલેશન વોર્ડમાં જ સારવાર આપવામાં આવશે.