અમદાવાદઃ કોરોનાની મહામારીના પગલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકડાઉનનો કડક અમલ કરાઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં સંક્રમણ અટકે તે માટે ગામડાઓમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો છે.
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ કહ્યુ કે, 'અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં આ રોગનું સક્રમણ ન વધે તે માટે દરેક ગામમાં 'ગ્રામ યોદ્ધા કમિટી" બનાવવા સુચના આપવામાં આવી છે. જિલ્લાના 464 જેટલા ગામમાં કમિટીમા સરપંચ, તલાટી, એક અગ્રણી, શિક્ષક અને હેલ્થ વર્કરનો સમાવેશ કરવામાં આવશે. ગામમાં કોણ આવે છે, કોણ જાય છે ? તેની તકેદારી રાખવામા આવશે.
જિલ્લાના ગામડાઓમાં અવર જવર પર નજર રાખવા રજિસ્ટરપત્રક રાખવામા આવ્યું છે. જેમાં અવર જવર કરનારની તમામ વિગતો એકઠી કરાશે. જિલ્લાના તમામ ગામોમાં પ્રવેશ નિષેધનાં બોર્ડ અને પ્રવેશ કરનાર માટે રજિસ્ટર મુકવામાં આવ્યા છે. ફેરિયાઓ માટે પણ પ્રતિબંધ મુકાયો છે. અત્યંત જરૂરી હોય તેવા કિસ્સામાં સરપંચ, તલાટી કે કમિટીની મંજુરી લઇને જ પ્રવેશ આપી શકાશે.