એક રીતે કહેવા જઈએ તો, અત્યાર સુધી ભવાઈને જીવતી રાખવાનાર રંગલા તરીકે જાણીતા ડૉ. જયંતિ પટેલનું અવસાન 27 મેના રોજ થયું છે. કવિ મનીષ પાઠક જણાવે છે કે, “રંગલાને કાયમ હસતા જ જોયા છે અને લોકોને હસાવતા. હું તેમને મળ્યો ત્યારે મને લાગ્યું નહિ કે, હું કોઈ 87 વર્ષના માણસને મળી રહ્યો છું. મને તો એવું જ લાગ્યુ કે, કોઈ મિત્રને મળી રહ્યો છું. તેમનું વ્યક્તિત્વ હંમેશાથી પ્રભાવિત રહ્યું છે અને તેમણે લખેલા પુસ્તકો આજે પણ લોકોને એટલા જ હસાવે છે.”
ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી પ્રફુલ રાવલ જણાવે છે કે, “રંગલો ખુબ જ સાદાઈથી જીવતો માણસ હતો અને હંમેશા બધાને ખુશ રાખવામાં જ માનતો હતો. તે લોકોનો જ માણસ હતો ક્યારેય કોઈ વસ્તુનો ઘમંડ નથી રાખ્યો. ભવાઈને લોકો વચ્ચે લાવનાર માણસ એટલે જ આ રંગલો. તે આવે ત્યારે દૂરથી જ ખબર પડી જાય કે આ રંગલો જ છે. રંગલાને કાયમ માથે ટોપી પહેરવાની આદત, સાદા કપડાં અને હંમેશા તેમના મોઢા પર રહેતી હસી. પટેલને જયારે વિદેશ જવાનું થયું ત્યારે પણ ત્યાં જઈને તેમને ભવાઈને જીવતી રાખી અને લોકો સુધી પહોંચાડી છે. તેમની ખોટ હંમેશા ભવાઈની દુનિયામાં વર્તાતી રહેશે.”