અમદાવાદ: અમદાવાદમાં વર્ષોથી રાવણ દહનના જાહેર કાર્યક્રમો યોજાતા આવ્યાં છે. દશેરા એટલે કે વિજયા દશમીના રોજ વર્ષોથી આરટીઓ સર્કલ પાસે રાવણ દહનના કાર્યક્રમો યોજાતા હતા. પણ હાલ એ સ્થળે સરકારી કચેરીઓનું નિર્માણ થતાં હવે વિવિધ જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે અમદાવાદ ખાતે સૌથી ઉચું રાવણના પૂતળું સાબરમતી ખાતે બનાવાયું છે. સાબરમતી ઉપરાંત ઇસ્કોન, અમરાઈવાડી, મણીનગર અને કર્ણાવતી ક્લબ ખાતે પણ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.
રાવણ દહનના કાર્યક્રમોના આયોજનમાં ઉછાળો: અમદાવાદમાં છેલ્લાં 25 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમોના આયોજનમાં ઉછાળો આવ્યો છે. પૂર્વ અમદાવાદમાં વિશેષ તો ઉત્તર ભારતીય સમાજના લોકો જે વિસ્તારમાં વસે છે ત્યાં સમાજના સંગઠનો રાવણ દહનના કાર્યક્રમો યોજે છે. 25 વર્ષ પહેલા અમદાવાદ ખાતે રાવણ દહનનો પરંપરાગત કાર્યક્રમ સુભાષ બ્રિજના છેડે યોજાતો હતો. હાલ રાવણના પૂતળા સાથે મેઘનાથ, કુંભકર્ણના પૂતળાનું પણ દહન થાય છે. હાલ અમદાવાદના ઓઢવ, વટવા અને અમરાઇવાડી વિસ્તારોમાં રાવણ દહનનો કાર્યક્રમ પરંપરા બની છે.
પૂતળાની સંરચના પણ બદલાતી જાય છે: દશેરાના પર્વ નિમિત્તે રાવણ દહન માટે તેના પૂતળાની સંરચના પણ બદલાતી જાય છે. પહેલા મોટાં અને એક જ પૂતળું હતુ. દશ માથાના રાવણના પૂતળાને વધુ રીયલ બનાવવા વિવિધ ટેકનોલોજી અને ક્રાફ્ટનો ઉપયોગ થાય છે. આ વર્ષે અમદાવાદમાં સાબરમતી ખાતે 65 ફૂટ ઉંચા રાવણનું પૂતળું લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાથે અમદાવાદના ભાડજ સ્થિત ઈસ્કોન મંદિરમાં રાવણ સહિત મેઘનાથ અને કુંભકર્ણનો પૂતળાને પણ હદન કરાશે. શહેરના મણીનગર વિસ્તારમાં 45 ફૂટ ઉંચા પૂતળાને તો કર્ણાવતી ક્લબની લોન પરિસરમાં 40 ફૂટના પૂતળાનું દહન કરાશે.
અમદાવાદમાં રાવણના પૂતળા બનાવવા માટે મથુરા, આગ્રા અને વૃંદાવનથી કારીગરો ખાસ છેલ્લાં એકાદ મહિનાથી આવીને વિવિધ ઓર્ડર પર કામ કરે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, આણંદના ધર્મજ સહિત નાના-મોટા નગરો અને જિલ્લા મથકોએ રાવણ દહન કાર્યક્રમ યોજવાની પરંપરા બનતી જાય છે. પહેલાં કાગળ, વાંસ, તાર અને કાપડથી રાવણના પૂતળાનું નિર્માણ થતું હતુ. હવે રાવણના પૂતળાના નિર્માણમાં વિવિધ કલરીંગ મટિરિયલ્સ, પ્લાય, ફટાકડા અને કાગળ અને જેલેટિન પેપરનો ઉપયોગ થાય છે.