અમદાવાદ: દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદના જમાલપુરથી નીકળે છે. હવે તે રથયાત્રાની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે. મંદિરમાં વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવીભક્તો મંદિર પહોંચી રહ્યા છે. જયારે સવારે નેત્રોત્સવ પૂર્ણ કર્યા બાદ સાધુ સંતોના ભંડારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ હાજરી આપી સાધુ સંતોના આશીર્વાદ આપ્યા હતા.
4000 હજાર લીટરનો દૂધપાક: ભગવાન જગન્નાથ મંદિરના આજ દેશભરમાંથી આવેલ સાધુ સંતો તેમજ શ્રદ્ધાળુ એમ કુલ મળીને 30 હજાર જેટલાં લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારમાં 4000 લીટર દૂધનો દુધપાક, 1100 કિલો લોટની પૂરી, 1200 કિલો ચોખના ભાત, 600 કિલો ચણાનું શાક, 1000 કિલો બટાકાનું શાક, 2000 કિલો ગોળ, ઘી અને લોટના માલપુવા બનાવવામાં આવ્યા છે.
કાળી રોટી ધોળી દાળ પીરસવામાં આવી: ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળે તે પહેલાં દેશભરમાંથી આવેલ સાધુ સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સાધુ સંતોને ભગવાન જગન્નાથની પ્રિય વસ્તુ કાળી રોટી અને ધોળીદાળ એટલે કે માલપુવા અને દૂધપાક પીરસવામાં આવ્યો હતો. આ ભંડારમાં દેશભરમાંથી આવેલ સાધુ સંતો આ ભગવાન પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના મહંત દિલીપસજી મહારાજ દ્વારા આવેલ તમામ સાધુસંતોને દક્ષિણા પણ આપવામાં આવી હતી.
કાળી રોટી ધોળી દાળનું મહત્વ: ભગવાનને પ્રિય કાળી રોટી ધોળી દાળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં કહેવાય કે મંદિરના જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ જીર્ણોદ્વારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળઓ દૂર દૂરથી આવ્યા હતા. આ જીર્ણોદ્વારમાં આવેલ શ્રદ્ધાળુ ભુખ્યા ન રહે તે માટે મહંત નરસિંહદાસજીએ રસોઈના આદેશ આપ્યા હતા કે માલપુવા, દૂધપાક, ગાંઠિયા બનાવી પીરસવામાં આવે. તે સમયથી જ આ પરંપરા ચાલી આવી રહી છે. મંદિરમાં કોઈપણ પ્રસંગ હોય તે સમયે પણ મંદિર આવેલ તમામ લોકોને દૂધપાક અને માલપુવા અવશ્ય આપવામાં આવે છે. જયારે મંદિરે દર્શન કરવા આવનાર તમામ લોકોને માલપુવા અને ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે.