અમદાવાદઃ દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે મંદિરમાં તે વખત ભગવાનના નવા રથોનું મંદિરમાં આગમન થયું હતું. ખાસ અલગ વિશિષ્ટ પ્રમાણે તેનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ તમામ રથનું સ્વાગત પણ ગજરાજે કર્યું છે.
નવા રથનું ભવ્ય સ્વાગત: ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા હંમેશા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથનું રથયાત્રાના આગળના દિવસે રથનું પૂજન કરવામાં આવતું હોય છે. તે પરંપરાગત મુજબ રથને મંદિર પરિસરમાં લાવીને રથનું પૂજન કરવામાં આવ્યું હતું. પરંતુ ભગવાન જગન્નાથના નવા થયેલા રથ પહેલી વખત મંદિરના પરિસરમાં આવ્યા હતા. મંદિરમાં નવા રથનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. મંદિર પરિસરમાં આવતા જ "જય જગન્નાથ" ના નારા સાથે લોકો ઝુમી ઊઠ્યા હતા.
13 ગજરાજો રથયાત્રામાં જોડાશે: હિંદુ ધર્મમાં કોઇપણ શુભ કામ કરવામાં આવે છે. તેવી જ રીતે રથયાત્રામાં પણ ભગવાનના રથના પુજન પહેલા ગજરાજનું પૂજન કરવામાં આવતું હોય છે. તે પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે.અને આજ તે પરંપરા મુજબ રથના પૂજન પહેલા મંદીર પરિસરમાં 13 જેટલા ગજરાજ પુજન કરવામાં આવ્યું હતું.આ ગજરાજ ભગવાન જગન્નાથ રથયાત્રામાં પણ જોડાશે.
રથ પર બે ખલાસીઓ રહેશે: ભગવાન જગન્નાથના રથ ખેંચવા માટે દૂર દૂરથી ખલાસી ભાઈઓ જગનાથ મંદિરે પહોંચતા હોય છે. આ વખતે ભગવાન જગન્નાથના રથયાત્રામાં બે જ ખલાસી બેસી શકશે. બાકી તમામ ખલાસીભાઈઓ ભગવાન જગન્નાથનો રથ ખેંચશે. જેથી કરીને ભગવાન જગન્નાથના રથ પર ભીડ એકત્રિત ન થાય અને શહેરના લોકો ભગવાન જગન્નાથના સીધા દર્શન કરી શકે તે પ્રમાણે આ વખતે વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ તમામ ખલાસી ભાઈઓ માટે પોલીસ વિભાગ દ્વારા ઓળખપત્ર પણ આપવામાં આવ્યા છે.
નવા રથમા બેસીને નીકળશે રથયાત્રા: ભગવાન જગન્નાથની 146 યાત્રા આવતીકાલે નીકળવાની છે ત્યારે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આ વર્ષે નવા રથમાં બિરાજમાન થઈને અમદાવાદ નીકળશે. ખાસ કરીને આ વખતના રથ મંદિરના જેમ જ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન જગતની રથયાત્રા અમદાવાદ શહેરની અનેક પોળોમાંથી પસાર થતી હોય છે. તે રસ્તાઓને ધ્યાનમાં રાખીને પણ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના નવા રથ આગામી 100 વર્ષ સુધી ચાલે તેવા મજબૂત તૈયાર કરવામાં આવ્યા છે.