અમદાવાદઃ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ભાજપના આ ધારાસભ્ય સામે રાજસ્થાનમાં પોક્સો અને એટ્રોસિટી અંતર્ગત રાજસ્થાનમાં ગુનો નોંધાયો છે. આ ગુનામાં તેમની ધરપકડ કરવા રાજસ્થાન પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે જામીન અરજી કરી છે. એટલે તેઓ ધરપકડથી બચી રહ્યા છે. ત્યારે ગજેન્દ્રસિંહ પરમારને જામીન ના મળે તે માટે રાજસ્થાન પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં આજે એફિડેવિટ ફાઈલ કરી હતી.
સીલ બંધ કવરમાં એફિડેવિટ રજૂ કરાઈઃ આ એફિડેવિટમાં એટ્રોસિટીની ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમ જ કલમ 164 મુજબના પીડિતાના નિવેદનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસ દ્વારા આજે સીલ બંધ કવરમાં કોર્ટમાં આ એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય ગજેન્દ્રસિંહે કરી હતી આગોતરા જામીન અરજીઃ આ કેસમાં ધરપકડથી બચવા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ જામીન અરજીને લઈને હાઈકોર્ટે 17 ફેબ્રુઆરી સુધીના આગોતરા જામીન મંજૂર કરતા તેમને આંશિક રાહત મળી હતી. જોકે, હવે જ્યારે 17 ફેબ્રુઆરીએ આ અરજી પર સુનાવણી હાથ ધરાશે. ત્યારે તેમના તરફથી આ કેસમાં બચવા વધુ કોઈ કાર્યવાહી ન થાય તે માટે રાજસ્થાન પોલીસે આ પગલું લીધું હતું.
શું છે સમગ્ર મામલો?: વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં ગજેન્દ્રસિંહ પરમાર પીડિતા અને તેની માતા જેસલમેર જઈ રહ્યા હતા. ત્યારે આબૂ રોડ પર આવતા પીડિતાના માતાની તબિયત ખરાબ થતા ગાડી ઊભી રાખવામાં આવી હતી. તે દરમિયાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે મહિલાની સગીર પુત્રીને આઈસ્ક્રીમ ખવડાવવાના બહાને શારીરિક અડપલાં કર્યા હતાં. તે સમયે મહિલા અને ગજેન્દ્રસિંહ વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી. આ ઘટના બાદ જેસલમેર જવાની બદલે તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા હતા. તે વખતે મહિલાએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ કરેલા શારીરિક શોષણના આક્ષેપને લઈને ગુનો નોંધાવતા કેસ ચાલતો હતો.
આ પણ વાંચો Gujarat Crime News : પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સહિત 4 સામે આબુરોડમાં પોક્સો હેઠળ ગુનો નોંધાયો
મહિલાને મળતી હતી ધમકીઃ જોકે, મહિલાએ એવું પણ કહ્યું હતું કે, તેને આ કેસને લઈને સતત ધમકી મળતી હતી. તેના કારણે તેને માર્ચ 2022માં સતત ધમકીઓના કારણે તેણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહત્વનું છે કે, ઘટનામાં સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ પટેલ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, 17 ફેબ્રુઆરીએ ગજેન્દ્રસિંહ પરમારની ધરપકડ કે આગોતરા જામીન સામે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય સંભળાવી શકે છે.