- ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી
- કપાસ વીણી લઇને સલામત જગ્યાએ રાખવા સૂચના
- 2થી 4 જાન્યુઆરી વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની શકયતા દર્શાવી છે
અમદાવાદઃ છેલ્લાં ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં ઠંડીએ જોર પકડયું છે. ગુજરાતમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લામાં ઠંડીએ માઝા મૂકી છે. ગુજરાતના મહત્તમ શહેરોમાં 10 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. ત્યાં વળી આગામી તા. 2થી 4 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી હોવાની સાબરકાંઠા જિલ્લાના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. પરિણામે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. જેથી ખેડૂતોને ખાસ કાળજી રાખવાની સૂચના અપાઇ છે. ખેડૂતોને હાલમાં બીટી કપાસમાં પાક તૈયાર થયેલો હોવાથી તૈયાર કપાસને તાત્કાલિક ધોરણે કરી વીણી લઇને કપાસ સલામત જગ્યાએ રાખવા ઉપરાંત ખેડૂતોએ પોતાનો ઉત્પાદિત થયેલો પાક જેવા કે કઠોળ, શાકભાજી કે ખેત પેદાશ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો. તેમજ ઘાસચારો વગેરે પણ ગોડાઉનમાં સલામત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ પણ વધ્યુ
આગામી બીજી અને ત્રીજી જાન્યુઆરીના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાઈ શકે છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં અડધાથી ૬ ડિગ્રી જેટલો લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાયો હતો. રાજ્યના વિવિધ શહેરોમાં ગાત્રો થિજવથી ઠંડી પડી હતી. સૌથી નીચુ લઘુત્તમ તાપમાન નલિયાનું 2.7 ડિગ્રી નોધાયુ હતુ. નલિયામાં તાપમાનનો પારો સીધો ૬ ડિગ્રી ઉચકાયો છે. તાપમાન ઉચકાતા ઠંડીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.
વાતાવરણમાં પલટો આવવાની આગાહી
બીજી તરફ આગામી ૨ અને ૩ જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ દાહોદમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો આવવાની આગાહીથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. કમોસમી વરસાદ થશે તો શિયાળુ પાકને મોટી નુકસાની જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. પવનની દિશા બદલાતાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોનું તાપમાન ઉચકાયું છે.
ખેડૂતોમાં વરસાદની આગાહીથી ચિંતા
ખેડૂતોને સુચના આપવામાં આવી છે કે વેચાણ અર્થે એપીએમસી અથવા ખરીદ વેચાણ કેન્દ્ર ખાતે વેચાણ અર્થે લઇ જતી વખતે પણ ખેત જણસીઓ ઢાંકીને લઇ જવી. તેની સાથે એપીએમસીમાં રહેલી ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારીઓને વિનંતી કરી છે. જયારે પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઉડે નહીં તેની કાળજી રાખવી. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાઇજી વગેરે તૈયાર હોય તો તરત જ ઉતારી લેવા અને ખેતી ઇનપુટ એટલે કે બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ રાખવો. આ ઉપરાંત ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય અને ઊભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતાં મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે સલામતિ માટેની વ્યવસ્થા રાખવા સૂચવ્યું છે.