અમદાવાદ: રાહુલ ગાંધી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલે ચુકાદો આવશે. રાહુલ ગાંધીના વકીલ દ્વારા સુરતની ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજાને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ બે વર્ષની સજાના પગલે રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા પણ ગુમાવી છે. આ આદેશને પડકારતી અરજી પર આવતીકાલે ગુજરાત હાઈકોર્ટ ચૂકાદો આપશે.
આવતીકાલે સુનાવણી: એડવોકેટ પંકજ ચાપાનેરીએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે આવતીકાલે રાહુલ ગાંધીની મેટર જસ્ટિસ હેમંત પ્રચ્છક સાહેબની કોર્ટમાં એડમિટ કરવામાં આવી છે ત્યારે આવતીકાલે આ કેસમાં સુનાવણી થશે.
ચૂકાદો અનામત રાખવામાં આવ્યો: રાહુલ ગાંધીના મોદીના નામની બદનક્ષીના કેસમાં 2 મેના રોજ ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની ડિવિઝન બેંચમાં રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે તેનું સમાધાન અનામત રાખ્યું હતું અને હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે ઉનાળાના વેકેશન પછી આ કેસમાં સમાધાન ચૂકવશે. આ સાથે હાઈકોર્ટે સુરત કોર્ટના રેકોર્ડ અને કાર્યવાહી 15મી પહેલા હાઈકોર્ટમાં જમા કરાવવા પણ આદેશ કર્યો હતો.
વેકેશન પૂર્ણ થવા પર કાર્યવાહી: રાહુલ ગાંધી દ્વારા 25 એપ્રિલ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં માનહાનિના કેસમાં રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં પહેલી સુનાવણી 29 એપ્રિલ 2023ના રોજ થઈ હતી. ત્યારબાદ 2 મે, 2023ના રોજ હાઈકોર્ટમાં બીજી સુનાવણી હાથ ધરવામાં આવી અને સુનાવણી પૂર્ણ જાહેર કરવામાં આવી.
સુરત સેશન્સ કોર્ટના ચુકાદાને પડકાર્યોઃ રાહુલ ગાંધી વર્ષ 2019માં મોદીના ભાષણ પર ટિપ્પણી કરતા ભાજપના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી, રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવતા સમગ્ર મામલો સુરત કોર્ટમાં ચાલી રહ્યો હતો. જ્યાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી છે. જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ પણ રદ કરવામાં આવ્યું હતું. આ સજાને પડકારતાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો, જેની સામે રાહુલ ગાંધીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.