દુનિયામાં તમાકુને કારણે થતાં મોતને ધ્યાનમાં લઈએ તો ભારત સમગ્ર દુનિયામાં તમાકુના વપરાશમાં બીજા નંબરે આવે છે. વિશ્વમાં તમાકુથી થતા મોતમાં છઠ્ઠા ભાગના મોત ભારતમાં થાય છે. આ કુટેવ પાછળ થતાં અતિશય ખર્ચ ઉપરાંત તે ઝડપથી રોગ અને ગરીબી તરફ દોરી જાય છે તથા તેની સારવાર માટેનો ખર્ચ પણ વધતો જાય છે.
આ ઉપરાંત સામાન્યરીતે તમાકુ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે આહાર અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ભોગે કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ તમાકુ સાથે સંકળાયેલા રોગોને કારણે થતાં મોતમાં 2020 સુધીમાં 13.3 ટકા સુધીનો વધારો થશે અને 2020 સુધીમાં ભારતમાં અંદાજે 15 લાખ લોકોના આવા રોગોને કારણે મોતનો ભોગ બનશે.