અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દ્વારા કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠે મહત્વની ટકોર કરતા જણાવ્યું હતું કે, લગ્ન પછી દીકરી કે બહેનનો કૌટુંબિક સંપત્તિમાં કોઈ હક રહેતો નથી તે માનસિકતા સમાજે બદલવાની જરૂર છે. કારણ કે લગ્ન પછી પણ દીકરી કે બહેનનો કૌટુંબિક સંપત્તિમાં હક રહેલો છે અને લગ્ન બાદ જે રીતે દીકરાની સ્થિતિમાં કોઈ પણ ફરક પડતો નથી. તે જ રીતે દીકરીની સ્થિતિમાં પણ કોઈ ફરક પડવો જોઈએ નહીં.
શું છે સમગ્ર વિગત?: આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો એક પરિવારના કૌટુંબિક સંપત્તિના વિતરણ મુદ્દે સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ વિવાદમાં પારિવારિક જે સંપત્તિ હતી તેમાં બહેને પોતાનો સંપત્તિમાં હક જમાવ્યો હતો. જેને લઇને અરજદારે નીચલી અદાલતમાં અરજી કરી હતી અને કહ્યું હતું કે, બહેન હવે પરિણીત હોવાથી તેનું સંપત્તિમાં કોઈ હક રહેતો નથી. નીચલી અદાલતે તેમની તરફેણમાં હુકમ આપતા આ હુકમ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ મામલે ભારે ટીકા કરતા આ સમગ્ર મામલો વખોડી કાઢ્યો હતો અને કહ્યું હતું કે સમાજે આ માનસિકતા બદલવાની જરૂર છે. લગ્ન બાદ દીકરી કે બહેનને સંપત્તિમાંથી કઈ આપવું નહીં તે વલણ યોગ્ય નથી તે તમારી બહેન છે તેના લગ્ન થવાથી કુટુંબમાં તેનો દરજ્જો બદલાઈ જતો નથી. દીકરો પરિણીત હોય કે અપરિણીત તો પણ દીકરો જ રહે છે તો દીકરીની પણ આ જ સ્થિતિ રહી શકે છે. કાયદો દીકરાની સ્થિતિમાં ફેરફાર કરતો નથી તો લગ્ન બાદ દીકરીની સ્થિતિ પણ બદલાઈ નહીં.
જાણો શું કહે છે કાયદો?: આ સમગ્ર મામલે એડવોકેટ તપસ્વી રાવલ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે હિન્દુ વારસાગત અધિનિયમ 1956 લાગુ પડે છે. જેમાં 1956 થી લઈને 2005 સુધી એવું હતું કે, વડીલો પાર્જીત પ્રોપર્ટી હોય તેમાં ફક્ત પુત્રને જ હક મળે. દીકરીને હક મળતો ન હતા પરંતુ ત્યારબાદ લો કમિશન 174 નું રિકમન્ડેશન આવ્યું .તેમાં કેન્દ્ર સરકાર દ્વારા આ હાથમાં લેવામાં આવ્યું અને તેમાં પુત્રીને પણ સંપત્તિમાં સમાન હકદાર ગણવામાં આવી. ત્યાર પછી પુત્રીનો પણ સંપત્તિમાં સમાન હક છે એવું પ્રસ્થાપિત કરવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ સમગ્ર મામલે મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો કે, હિન્દુ એક્ટ 2005 જેમાં હિન્દુઓમાં સંપત્તિના વિતરણનો વ્યવહાર કરવામાં આવ્યો હતો .તેમાં સુધારા મુજબ હિન્દુ સક્સેસન એક્ટ 2005 મુજબ છોકરી પરિણીત હોય કે કુવારી પિતાની સંપતિમાં ભાગીદાર ગણાશે. એટલું જ નહીં તેને પિતાની સંપત્તિના હિસ્સેદાર પણ બનાવી શકાય છે.
આ પણ વાંચો Education loan for study abroad: વાલીઓ સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈને બાળકોને વિદેશ મોકલી રહ્યા છે
2005માં એક્ટમાં સુધારો: વર્ષ 2005માં 9 સપ્ટેમ્બરના રોજ હિન્દુ એક્ટ 1956માં જે સુધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ પુત્રીની સંપત્તિમાં પુત્રીઓનો સમાન હિસ્સો છે દીકરી લગ્ન કરેલી હોય વિધવા હોય, અપરણિત, હોય અથવા પતિ દ્વારા ત્યજી દેવામાં આવે તેવી પુત્રીને તેના જન્મથી જ વારસાગત મિલકતમાં ભાગ મળે છે. જ્યારે પિતા દ્વારા ખરીદેલી સંપત્તિના મરજી મુજબ પણ વહેંચણી થઈ શકે છે. વર્ષ 2005 માં સુધારેલા હિન્દુ 1956માં પુત્રીઓને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ જો 9 સપ્ટેમ્બર 2005 ના રોજ તેના પિતા જીવિત છે તો તે દીકરી વંશ સંપત્તિમાં ભાગ લઈ શકે છે .અને જો તેના પિતા આ પહેલા મૃત્યુ પામ્યા છે તો તે પુત્રીને તેના પૂર્વજોની સંપત્તિનો અધિકાર માનવામાં આવશે નહીં.
આ પણ વાંચો Harsh Sanghvi : ગુજરાત પોલીસ લોન અપાવવામાં મદદ કરશે, પોલીસ સ્ટેશનદીઠ લોન પ્રક્રિયા થશે
સુપ્રીમ કોર્ટે નિર્ણયને ગણકાર્યો: ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ગણકાર્યો હતો અને સુધારેલા હિન્દુ એક્ટ 1956માં પુત્રીઓને પિતૃ સંપત્તિમાં સમાન હિસ્સો મેળવવાનો કાનૂની અધિકાર આપવામાં આવ્યો હતો. વર્ષ 2020 માં સુપ્રીમ કોર્ટના નિર્ણયની ઘોષણા કરતી વખતે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ,9 સપ્ટેમ્બર 2005 પહેલા કોઈના પિતાનું મૃત્યુ થયું હોય તો પણ પુત્રીને તેના પૂર્વજોની સંપત્તિ પર સંપૂર્ણ અધિકાર રહેશે. આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના હુકમને માન્ય રાખીને સમાજે જ માનસિકતા બદલવી જોઈએ એના આધારે આ મહત્વની ટકોર અને હુકમ કર્યો હતો.