શાહીબાગના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા એક હિન્દુ સ્મશાનની હાલત જોયા બાદ તમને એમ લાગશે કે, આ સ્મશાન ગૃહમાં કોઈનો અંતિમ સંસ્કાર કરી શકાય તેવી હાલત નથી. એક તરફ મોટા મોટા ઘાસ તેમજ ઝાડીઓ છે. તો બીજી તરફ પીરાણાં ખાતે આવેલા ડંપીંગ સ્ટેશન જેવી હાલત આ સ્મશાન ગૃહની જોવા મળી હતી. અંદાજિત એક અઠવાડિયા પહેલા બાર વર્ષના એક બાળકનું અવસાન થતાં તેને આ સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ગયા પછી ડાઘુંઓ દ્વારા અંતિમ સંસ્કારની વિધિ પહેલા ત્યાં JCB મશીન બોલાવી તે જગ્યાને સ્વચ્છ કરી સ્વખર્ચે અંદાજિત 5,000 રૂપિયાનો ખર્ચો કર્યા બાદ એક બાળકની અંતિમ વિધિ કરવામાં આવી હતી.
અહીંના સ્થાનિક રહીશ તુષાર પરમારના જણાવ્યાં અનુસાર વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ કેન્ટોનમેન્ટના અધિકારીઓ દ્વારા કોઈપણ નક્કર પગલાં લેવામાં આવતા નથી. તેમ જ કરોડોની ગ્રાંન્ટ આવવા છતાં પણ આવી દુર્દશા છે. તે હજુ સમજાતું નથી. સ્મશાનની આવી દુર્દશા પાછળ કોઈ રાજકીય પરિબળ કામ કરે છે કે શું? તે તપાસનો વિષય છે.