અમદાવાદ: આગામી ચોમાસા દરમિયાન ટ્રેનોનું સંચાલન અને સરળ કામગીરીના હેતુથી પશ્ચિમ રેલવે દ્વારા કામગીરી વ્યાપકપણે ચાલી રહી છે. પશ્ચિમ રેલવેએ ચોમાસાના વિપરીત સંજોગોમાં કામ સતત ચાલુ રાખ્યું છે, જેથી જ્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને કોરોના વાઈરસને દૂર કરવામાં આવે, ત્યારે કોઈપણ સમસ્યા વિના ટ્રેનોની અવિરત કામગીરી શક્ય બની શકે.
દર વર્ષે વેસ્ટર્ન રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર ભારે વરસાદને કારણે પાણીના ભરાવાને ધ્યાનમાં રાખીને ચોમાસા દરમિયાન સ્થાનિક ટ્રેનોની સરળ કામગીરીને સુનિશ્ચિત કરવા માટે વધારાના પગલાં લેવામાં આવે છે.
પશ્ચિમ રેલવેના જન સંપર્ક અધિકારી રવિન્દ્ર ભાસ્કરના જણાવ્યા અનુસાર, આ ચોમાસા પૂર્વ કાર્યોમાં કેનાલો, ગટરોમાથી ગંદકી, કાદવ વગેરે કાઢીને ઊંડા બનાવવા માટેના કાર્યો અને હાઈપાવર ડીઝલ પંપને સ્થાપિત કરવાનોનો સમાવેશ થાય છે. ડ્રેનેજની કેનાલોની સફાઈ 10 જૂન, 2020 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ડ્રેઈન્સની સફાઈ 5 જૂન, 2020 સુધીમાં પૂર્ણ થશે. નિયમિત ક્ષેત્રના કર્મચારીઓના માત્ર 10થી 15 ટકા કર્મચારીઓ ઉપલબ્ધ હોવા છતાં, તે બાબતે ખાતરી કરવામાં આવી રહી છે કે, મુંબઈ ઉપનગરી સેક્શન ચર્ચગેટ-વિરારના માટે નિર્ધારિત લક્ષ્ય અનુસાર ચોમાસા પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવશે.
રેલવે દ્વારા વરસાદ અને પૂરના પાણીના નિકાલની વ્યવસ્થા કરાઈ છે. ટ્રેકની નજીક અને માર્ગની નજીકના આઘાતજનક વૃક્ષો કાપવા મ્યુનિસિપલ અને પશ્ચિમી રેલવેના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સંયુક્ત સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. રેલવેના રસ્તામાં આવતા તળાવ અને ઝરણાં વગેરેની સ્થિતિનો તાગ મેળવાયો છે. રેલવેના ઇલેટ્રોનિક ઉપકરણો ચેક કરાયા છે. વાયરો પરથી પક્ષીઓના માળા દૂર કરાયા છે. સિગ્નલોનું સમારકામ કરાયું છે.
રેલવે અધિકારી ભાસ્કરે જણાવ્યુ છે કે, દેશ વ્યાપી લોકડાઉન દરમિયાન નોકરી પર માત્ર 10થી 15 ટકા સ્ટાફ હોવા છતાં રેલવેએ આવા મહત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કર્યા છે. લોકડાઉન પૂર્ણ થવાની સ્થિતિમાં રેલગાડીઓને સારી રીતે ચલાવી શકાય, તે માટે પશ્ચિમ રેલવેના કર્મચારીઓ દ્વારા મેહનતથી કરવામાં આવેલા કાર્યોમાં સાચી કર્મનિષ્ઠા અને સમર્પણની ભાવના દેખાઈ રહી છે.