- આજથી રાજ્યમાં શાળાઓ શરૂ
- ધોરણ 10-12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પુનઃ આરંભ
- SOPમાં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ તમામ શાળાઓમાં વ્યવસ્થા
અમદાવાદ : ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ સ્થિત વસ્ત્રાલની અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આવકારીને શૈક્ષણિક કાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આજથી સમગ્ર રાજ્યમાં 10 અને 12 ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભારંભ થઇ રહ્યો છે.
25,000 વિદ્યાર્થીઓના વાલીઓએ સમંતિ આપી
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓમાં આશરે 75,000 હજાર જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-10 અને 12 માં અભ્યાસ કરે છે. તે પૈકી આશરે 25,000 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રથમ તબક્કે જ સંમતિ આપેલ છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, "શાળાઓમાં સલામતી સાથે શિક્ષણ કાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એસ.ઓ.પી માં દર્શાવેલ દિશા નિર્દેશો મુજબ જ રાજ્યની તમામ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવી છે". શાળાઓની આસપાસ આવેલ મેડિકલ સુવિધાઓ ,પ્રાઇમરી - કોમ્યુનિટી હેલ્થ સેન્ટર વગેરેની તમામ વિગતો તેના કોન્ટેક્ટ પર્સન જેવી અન્ય જરૂરી માહિતી પણ શાળા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાની કચેરીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પ્રદીપસિંહે બાળકોને અભિનંદન આપ્યા
કોરોના મહામારીમાં 10 મહિના ઘરે બેસીને શિક્ષણ મેળવી બાળકો દ્વારા જે તપસ્યા કરવામાં આવી છે. તેને ઉત્કૃષ્ટ પરિણામમાં બદલવાનો સમય પાકી ગયો છે. જે આવનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જોવા મળે તેવા ગૃહ રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સૌ બાળકોને શુભેચ્છા સહ અભિનંદન આપ્યા હતા. આ સાથે સાથે પ્રધાનો શાળા સંચાલકોને પણ સેનિટાઇઝર , માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીગ જેવા નિયમોનુ પાલન કરાવવા તાકીદ કરી હતી.
શિક્ષણકાર્યમાં સમયનો મહત્તમ ઉપયોગ કરવો
કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે. ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથોસાથ બાળકનું પણ હિત જાળવવાનો સંકલ્પ પ્રદીપસિંહજી જાડેજાએ ઉપસ્થિત તમામ વાલી- વિદ્યાર્થીઓને કરાવ્યો હતો. આજથી જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે પ્રદીપસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓને શિક્ષણ આરંભ પ્રસંગે આવકાર્યા હતા અને પ્રેરક ઉદબોધન દ્વારા તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરાયું
બાળકોના કોરોના સામેના રક્ષણ માટે પ્રદીપસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં સ્કૂલ ટ્રસ્ટી દ્રારા સેનિટાઇઝર અને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલરો, હેલ્થ વિભાગના અધિકારીઓ, જિલ્લા શિક્ષણ અધિકારી, શિક્ષણવિદો, અર્પણ ઇન્ટરનેશનલ શાળાના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા.