ગાંધીનગર : વિશ્વમાં અનેક એવા વ્યક્તિ છે જે પોતાના અંદરની પ્રતિભા છુપાવીને વર્તમાન પરિસ્થિતિ મુજબ અને જ્યાં હોય ત્યાં ટાઈમ ટેબલ મુજબ જ કામ કરતા હોય છે. પણ પોતાની મરજી મુજબ અને પોતાની આંતરિક શક્તિને અવગણના કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જે.વી. રાઠોડ પોતાના કોલેજકાળથી કવિતાઓ લખી રહ્યા છે. હાલમાં પણ પોલીસની નોકરી દરમિયાન, અનેક ઘટનાઓ આધારિત કવિતાઓ લખવાનું ચાલુ જ રાખ્યું છે. જેમાં પોલીસ જીવન, પોલીસ સ્યુસાઇડ અને સામાન્ય લોકોને અસર કરતી એવી 100 કવિતાઓ પોલીસ ફરજ દરમિયાન લખી છે. તેઓ હાલ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઈ તરીકે જ્યારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ચાર્જમાં કાર્યરત છે.
કવિતા લખવાનો શોખ કવિતા શોખ બાબતે અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. રાઠોડે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કાવ્ય તો કોલેજકાળથી કાવ્ય લખવાનો શોખ હતો, મેં ઇડરમાં કોલેજ કરી ત્યારથી કવિતા લખતો આવ્યો છું, પણ વર્ષ 2011માં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ભરતી થયા પછી કરાઇ પોલીસ એકેડમીમાં આવ્યા અને જ્યારે થોડો સમય મળ્યો, થોડા એકલા પડ્યાં ત્યારથી કવિતાઓ લખવાનું શરૂ કર્યું.
પોલીસ વિભાગની કવિતાઓ લખી જે.વી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે કરાઈ ટ્રેનિંગ સેન્ટરમાં એક વર્ષ દરમિયાન સારી એવી કવિતાઓ લખી છે. એમાં ડિપાર્ટમેન્ટલ ટ્રેનિંગ દરમિયાનની મસ્તી મજાકની બાબત હતી, કેટલીક પર્સનલ સંબંધોની હતી, જ્યારે કેટલીક દુનિયાદારીની પણ હતી. એ રીતે લખતા લખતા આ એક વ્યવસ્થિત પ્રવાહ ચાલુ થયો. 2022માં 100 કાવ્ય પૂર્ણ કરતા મેં અમદાવાદ ખાતે શો કાવ્યસંગ્રહ રાજવીની કલમ એ મારું પુસ્તક રિલીઝ કર્યું હતું. જેમાં રાજવીની કલમે પુસ્તક રિલીઝ કર્યું, પુસ્તકના શીર્ષકમાં જ મારું નામ છુપાયેલું છે. રાઠોડ જયદીપસિંહ વિજય. આમ ડિપાર્ટમેન્ટના તમામ મિત્રો પણ મોટાભાગે મારા નામ કરતા રાજવીથી વધારે ઓળખે છે. આ નામ પણ મને કરાઇ એકેડેમીથી મિત્રોએ આપ્યું હતું.
પોલીસની કામગીરી, ફરજ અને તહેવાર બાબતે કવિતા જે.વી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે પોલીસના જીવન પર કવિતા લખી છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં શરૂઆતમાં જ્યારે સિવિલિયનમાંથી પોલીસમાં ગયાં એટલે રજાઓ બાબતનો પ્રોબ્લેમ થતો હતો તહેવારો જેવા તહેવાર ઉજવવા ન મળતા એ બાબતથી શરૂઆતમાં ઘણું લાગી આવતું હતું. પોલીસની રજા, ડ્યુટી કામગીરી બાબતે કાવ્યો લખેલા છે. જ્યારે બદલી મુદ્દે કવિતાઓ લખવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ સાથે વિવાદ થયા હતાં પીઆઇ જે.વી. રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે કવિતા લખવામાં ક્યારેક કેટલાક નરસા અનુભવ થયા એ બાબતનું પણ ખૂબ જ ખુલ્લા મનથી લખેલું છે. ક્યારેય હાજીજી કરીને કવિતાઓ નથી લખી. જ્યારે મારા દિલથી અનુભવ્યું થયું એ જ લખ્યું છે. ઘણીવાર કવિતાઓ બાબતે સિનિયર અધિકારીઓ તરફથી થોડા વિવાદો થયેલા છે. પણ હું કવિ છું તો કવિની રીતે જ લખીશ એવો મારો અભિપ્રાય છે. પણ જ્યારે જ્યારે કોઈ મુદ્દો આવે અને એમાં ઘણું બધું કહેવાનું મન થતું હોય કોઈ મુદ્દો વિવાદિત મુદ્દો છે. કોઈ આમ દિલને હચમચાવી નાખતો મુદ્દો આવતો હોય ત્યારે જે લખાઈ જાય એ જ કાવ્ય છે.
પોલીસ સ્યૂસાઈડ બાબતે કવિતા : રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી પોલીસના જવાનો અધિકારીઓ સ્યૂસાઈડનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ વસ્તુ મારા મનને ખૂબ હચમચાવી નાખ્યું હતું. ત્યારે આ બાબતે પણ ખાસ કવિતાઓ લખવામાં આવી છે. જેથી આ કવિતાઓ વાંચીને કોઈપણ પોલીસ જવાન સ્યૂસાઈડ માટે વિચાર પણ ન કરી શકે. જ્યારે પોલીસ વિભાગમાં મારા મિત્ર એ જ સ્યૂસાઈડ કર્યું હતું ત્યારે મને ખૂબ લાગી આવ્યું હતું અને તે ઘટનાને ધ્યાનમાં લઈને જ મેં કોઈ પણ પોલીસ સ્યૂસાઈડ ન કરે તે માટેની કવિતા પણ લખી હતી.