- સ્માર્ટ સીટીમાં પ્રાથમિક જરૂરિયાતોની અછત
- સ્થાનિક લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન
- કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત, છતાં કોઇ નિરાકરણ નહીં
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને સ્માર્ટ સીટી બનાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ કોર્પોરેશન શહેરના અનેક વિસ્તારોમાં ગટર, સ્વચ્છ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ પુરી પાડી શકતું નથી. શહેરના મધ્યઝોનની મોટાભાગની પોળોમાં રહેતા સ્થાનિકો પ્રદૂષિત પાણીથી પરેશાન છે.
હેરિટેજનો દરજ્જો મેળવી ચુકેલી આ પોળોનાં લોકોની સમસ્યા
શહેરના મધ્યઝોનમાં આવેલા ખાડિયા વોર્ડની નાગોરી શાળા, રતન પોળના સ્થાનિકો પ્રદૂષિત પાણીથી પરેશાન થઇ ગયા છે. છેલ્લાં કેટલાંય સમયથી આ તમામ પોળોમાં દુર્ગંધ મારતું કાળા રંગનું પાણી આવે છે. સ્થાનિકો દ્વારા અનેકવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. હેરિટેજનો દરજ્જો મેળવી ચુકેલી આ પોળોનાં લોકોની આ પ્રકારની સમસ્યા છે. તો આ પોળોને જોવા માટે આવતા સહેલાણીઓના મનમાં અમદાવાદ શહેર વિશે કેવી છાપ ઉભી થાય છે તે કદાચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો સમજી શકતા નથી.