અમદાવાદ : સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો સામસામે છે અને બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારત દ્વારા સુદાનમાંથી તેના ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા ઓપરેશન કાવેરી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વધુ 231 જેટલા ભારતીય મૂળના સુદાનવાસીઓ સુરક્ષિત રીતે પોતાના દેશ પહોંચી ગયા છે. જેમનું ભાવભર્યું સ્વાગત કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
ઓપરેશન કાવેરી હેઠળ પરત લવાયા : સુદાનથી તમામ ભારતીયો અમદાવાદ ખાતે પહોંચી ગયા છે. સુદાનથી ભારત પહોંચનારા લોકોમાં 208 ગુજરાતી, 13 પંજાબના અને 10 રાજસ્થાનના લોકોનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને સ્વદેશ લાવવા માટે શરૂ કરાયેલા ઓપરેશન કાવેરી અભિયાન અંતર્ગત સરકાર અને સેના દ્વારા કરવામાં આવી રહેલા સંયુક્ત ઓપરેશનમાં સુદાનમાં ફસાયેલા દરેક ભારતીયને વતન પરત લાવવા માટે કપરી પરિસ્થિતિમાં સ્ટેપ બાય સ્ટેપ ઓપરેશન થકી નાગરિકો પોતાના વતન પરત ફરી રહ્યા છે.
ભારતીય જવાનોનું સાહસ : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભારતીય સેનાના જવાનો વિકટ પરિસ્થિતિમાં પણ હિંમતભેર મિશનને અંજામ આપી રહ્યા છે, જેના લીધે જ આજે ભારતીયો પોતાના વતનમાં પહોંચી રહ્યા છે, જે ભારત માટે સ્વમાનની વાત કહેવાય. ભારતમાં આ પ્રથમવાર નથી. જ્યારે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને જરૂર પડી છે ત્યારે ત્યારે સરકારે ભારતીયોને વતન વાપસી કરાવી છે. રશિયા - યુક્રેન યુદ્ધમાં પણ સરકાર અને સેના ના સંયુક્ત પ્રયાસોથી હજારો ભારતીયો પોતાના સ્વદેશ પરત લાવી શક્યા હતાં. હવે ફરી એક વાત સરકાર અને સેનાએ પોતાના સ્વજનો એવા 231 ભારતીયોને સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચાડ્યા છે.
કેન્દ્ર સરકાર સાથે સંકલન : અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા તમામ લોકો માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરી દેવાઈ છે. અમદાવાદ એરપોર્ટ પહોંચેલા તમામ ભારતીયો પોતાના ઘર સુધી પહોંચી શકે તે માટે પણ કેન્દ્ર સરકાર સાથે સંકલન થકી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં રાજકોટના લોકો માટે 5 વોલ્વો બસ મૂકવામાં આવી છે અને બીમાર વડીલો માટે મેડિકલ ટીમ પણ તૈયાર કરી દેવાઈ છે.
આ પણ વાંચો Operation Kaveri: ભારતીયોએ કેમ છોડવું પડ્યું સુદાન, જાણો કારણ
જરુરી કાર્યવાહી માટે 15થી વધુ કાઉન્ટરો : અમદાવાદ એરપોર્ટ પર વધારે સમય ન વેડફાય તે માટે ઇમિગ્રેશન સહિતની કામગીરી માટે 15થી વધુ કાઉન્ટરો તૈયાર કરાયા છે. જેથી આગળની કામગીરી ઝડપથી કરી શકાય. ઉપરાંત ગુજરાત પરત ફરેલા લોકો માટે એરપોર્ટ પર ભોજન અને હળવા નાસ્તાની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વતન પરત ફરેલા તમામ લોકોને તેમના પરિવારો સુધી પહોંચાડવા તંત્ર ખડે પગે તૈયાર થઈ ગયું છે. ત્યારે સુદાનની ભયંકર પરિસ્થિતિમાંથી કુશળપૂર્વક વતન પહોંચાડવા બદલ લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો અંતઃપૂર્વક આભાર માન્યો હતો.
360 જેટલા મૂળ ગુજરાતીઓ પરત ફર્યાં : ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વતન પરત પહોંચેલા ભારતીયોને જલ્દીથી પરિવાર સુધી પહોંચાડવામાં આવશે. જે માટે એરપોર્ટ પર ઇમિગ્રેશન સહિતની તમામ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેની તૈયારીઓ કરી દેવાઈ છે. અત્યાર સુધી કુલ 360 જેટલા ગુજરાતીઓ પરત ફર્યાં છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જરૂરી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરીને વતન પરત ફરેલા ભારતીય મૂળના સુદાનના નાગરિકોને તેમના પરિવારો સુધી પહોંચાડવાની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.