અમદાવાદ: તારીખ 17 મી ફેબ્રુઆરી 2023ના રોજ રાતના સમયે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોમાં ત્રણથી ચાર કાર લઈને સિંધુભવન રોડ ઉપર અમુક યુવકો ચાલુ કારમાં સ્ટંટબાજી કરતા નજરે પડ્યા હતા. જેમાં ચાલુ કારમાંથી બહાર આવી પોતાના અને અન્ય લોકોના જીવ જોખમાય તે પ્રકારનો સ્ટંટ જોવા મળ્યો હતો. જે વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. વીડિયોમાં દેખાતી કારના નંબર અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
"સિંધુ ભવન રોડ ઉપર ફેબ્રુઆરી મહિનામાં કારમાં સ્ટંટ કરતાં યુવકોના વીડિયો વાયરલ થયો હતો , જે મામલે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરવામાં આવી હતી. જોકે, આ ગુનાનો મુખ્ય આરોપી પૈકી એક આરોપી હવે ઝડપાયો હોય કોર્ટમાંથી વધુ તપાસની મંજૂરી મેળવી તેની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે"-- વી.જે ચાવડા (સરખેજ પોલીસ સ્ટેશનના PI)
મીડિયામાં વાયરલ:આ સમગ્ર મામલે સરખેજ પોલીસે આસિફ અલી સૈયદ, હાઝીમ શેખ અને શાહ નવાઝ શેખ નામના યુવકોની ધરપકડ કરી છે. જ્યારે કારમાં સવાર અન્ય લોકોને નોટિસ આપવામાં આવી છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તે વીડિયો બે વર્ષ જુનો હતો અને આરોપીઓના મિત્રના જન્મદિવસને લઇને બે વર્ષ પહેલા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો, જે બે વર્ષ બાદ સોશિયલ મિડીયામાં કોઇએ વાયરલ કર્યો હતો.
ચાર મહિના બાદ: આ સમગ્ર કેસમાં સરખેજ પોલીસે જે તે સમયે 3 આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કર્યા હતા. કેસની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઈલ કરી હતી, જોકે, આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી પૈકી એક આરોપી જેનું નામ જુનૈદ જાવેદખાન પકડવાનો બાકી હોય ચાર મહિના બાદ તેને ઝડપી લેવામાં આવ્યો છે.