ન્યુઝ ડેસ્ક: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વીડિયો મારફર તમામ અટકળોનો અંત લાવી દીધો છે. તેમણે જણાવ્યુ હતું કે, " ગઈકાલે સાંજે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધીમાં 4 કોંગ્રેસના ધારાસભ્યોએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યા છે,તેમણે સ્વૈચ્છિક રાજીનામા આપ્યા હોવાથી મેં આ રાજીનામાનો સ્વીકાર કર્યો છે.વિધાનસભા અધ્યક્ષે ઉમેર્યું કે આ ચારેય કોગ્રેસના ધારાસભ્યઓએ મને રૂબરૂ આવીને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે, જેનું યોગ્ય વેરિફિકેશન કર્યાં બાદ મેં સ્વીકાર કર્યો છે. હવે તેઓ ધારાસભ્ય રહેતા નથી."
રાજીનામા આપનાર ચાર ધારાસભ્યોમાં. જે.વી. કાકડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, મંગળ ગાવિત , સોમા પટેલના નામનો સમાવેશ થાય છે.
ચાર ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસના ધારાસભ્યનો સંખ્યા ઘટી છે. કોંગ્રેસના કુલ 73 ધારાસભ્યો પૈકી હવે માત્ર 69 ધારાસભ્યો રાજ્યસભા ચૂંટણીમાં મતદાન માટે લાયક છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના બે માંથી માત્ર એક જ ઉમેદવાર ચૂંટણીનો જંગ જીતી શકે.
એક ઉમેદવારે પીવો પડશે કડવો ઘુંટ..
રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને મળેલી ધોબી પછડાટથી ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી કોઈ એકે બલી ચઢવું પડશે. જો કોંગ્રેસ એમ નહીં કરે તો ચૂંટણીના અંતે કોંગ્રેસની ફજેતી થવી અને નાક કપાવવું લગભગ નક્કી છે. કોંગ્રેસે પોતાની રહી સહી આબરૂ બચાવવા એક ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચાવવુ પડશે.
કોંગ્રેસ માટે નવું સંકટ..
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવી સ્થિતિ છે. પોતાના ધારાસભ્યોને બચાવવા એક બાજુ કોંગ્રેસ વિધાનસભ્યોને રાજસ્થાન લઈ જઈ રહી છે. એક એક ધારાસભ્યને નજરથી દુર થવા દેતી નથી. ત્યાં હવે કોનું ફોર્મ પાછું ખેંચાવવું તે અંગેનું સંકટ સર્જાયુ છે. જો બે માંથી કોઈ એકની નારાજગી વ્હોરવી પડે તો કોંગ્રેસનો ઘાટ પડ્યા ઉપર પાટુ જેવો થશે. ત્યારે કોણ કડવો ઘુંટ પીએ છે? કોણ બલિએ ચઢશે? એ નિર્ણય કોંગ્રેસ માટે નવી ઉપાધિ લઈને આવે તો નવાઈ નહી.