- ભાજપમાં આશ્ચર્યજનક રીતે પહેલા દિવસે જૂજ ફોર્મ ભરાયા
- અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે ફક્ત નરોડા વોર્ડનું ફોર્મ ભરાયું
- ભાજપના મોટા નેતાઓ વિરોધ ખાળવાને લઈને વ્યસ્ત
અમદાવાદ: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભરવાનો સમય સવારે 10થી બપોરના 03 વાગ્યા સુધી છે. પરંતુ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે બપોરે 02 વાગ્યા સુધી મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસનું એક પણ ફોર્મ નહોતું ભરાયું.
બપોરે 02 વાગ્યા સુધી ભાજપ-કોંગ્રેસનું એક પણ ફોર્મ ન ભરાયું
બપોરે 02 વાગ્યે વોર્ડ નં-12 ના નરોડાના ભાજપના ઉમેદવારો અલકા મિસ્ત્રી, વૈશાલી જોશી, રાજેન્દ્ર સોલંકી અને વિપુલ પટેલ ફોર્મ ભરવા આવ્યા હતા. તેમનું ફોર્મ ભરાયું હતું. જ્યારે ખાડિયાના ઉમેદવારો સમયસર ફોર્મ ભરી ન શકતા તેમને બીજા દિવસે બોલાવવામાં આવ્યા હતા.
વિકાસ કામોને આગળ વધારવાનો વાયદો
ફોર્મ ભર્યા બાદ ભાજપના નરોડાના ઉમેદવાર વિપુલ પટેલે જણાવ્યું હતું કે, 'પૂર્વ કાઉન્સિલરોએ જે કાર્ય કર્યું છે તેને આગળ વધારાશે. જ્યારે વિકાસના કાર્યોને લઈને નરોડાના પૂર્વ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિના સૂરમાં વિપુલ પટેલે સૂર પુરાવ્યો હતો' ઉલ્લેખનીય છે કે, નરોડા વોર્ડમાં ફક્ત અલકાબેન મિસ્ત્રીને ભાજપે રિપીટ કર્યા છે.