નેતાઓ પણ નાગરિકોની ભાવના અને લાગણીને ધ્યાનમાં રાખી ભરપૂર ફાયદો ઉઠાવતા હોય છે. જેથી નેતાઓ મંદિરોમાં જવાનું વધારે પસંદ કરે છે. કદાચ લોકોને પણ આવી જ બાબતમાં વધારે રસ હોય છે, એટલે જ નેતાઓ મંદિર મંદિર ફરતા હોય છે.
ગુજરાતમાં પણ હવે મંદિર પોલિટીક્સ સક્રિય થયું છે. તાજેતરમાં જ પોરબંદર બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ ધડુકે કડવા પાટીદારના મંદિર સીદસરમાં ઉમિયા માતાજીના દર્શન કર્યા હતા, જ્યારે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ કડવા લેઉવા પટેલના મંદિર ખોડલધામે ખોડિયારના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધર્મન્દ્રસિંહ જાડેજા ભાજપમાં ભળી ગયાને થોડા સમયમાં જ ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા. ધર્મન્દ્રસિંહ જાડેજા પ્રધાન પદનો કાર્યભાર સંભાળે તે પહેલા દ્વારકાધીશના દર્શને પહોંચ્યાં હતા. કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયેલા ભાજપ સરકારના નવનિયુક્ત કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી મસ્તક જુકાવ્યું હતું.
રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ખોડલધામ પહોંચ્યાં ત્યારે કોંગ્રેસ ઘણાં કાર્યકરો સાથે હતા, ત્યારે પોરબંદરમાં ભાજપ ઉમેદવાર રમેશ ધડુકે સીદસરમાં દર્શન કર્યા ત્યારે તેમની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ પ્રધાન ચીમન સાપરીયા, પૂર્વ સાંસદ હરિભાઇ પટેલ સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા.
આમ, તો મંદિર પોલિટીક્સ દરેક ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. ગુજરાતમાં મંદિર પોલિટીક્સની વાત કરીએ તો કડવા પટેલ અને લેઉવા પટેલનું નામ સૌથી પહેલા આવે. ગુજરાતની રાજનીતિમાં ઉમિયા ધામ ઊંઝા અને ખોડલધામ, કાગવડનો દબદબો રહ્યો છે. ગુજરાતમાં વિવિધ શક્તિ પીઠ છે. જેનો અનેરો ઇતિહાસ છે. મોદી જ્યારે ગુજરાતના CM હતાં, ત્યારે સૌથી વધારે અંબાજીમાં માઁ અંબાના દર્શને જતાં. આ ઉપરાંત સોમનાથ મંદિર અને દ્વારકાધીશ મંદિરનો પણ ગુજરાતના રાજકારણ પ્રભાવ રહ્યો છે.
આમ તો ભારતીય લોકતંત્રમાં જેટલી ભૂમિકા નેતાઓની છે, એટલી જ સામાન્ય નાગરિકની પણ છે. કારણ કે, ભારતીય સંવિધાન તમામને સમાન નાગરિકનો દરજ્જો પુરો પાડે છે. જેથી ચૂંટણીમાં પણ દરેક નાગરિકની ભૂમિકા મહત્વની છે.