અમદાવાદઃ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે હાલ જૂની વીએસ હોસ્પિટલમાં નોન-કોવિડ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હાલ ત્યાં 500 બેડ ઉપલબ્ધ છે. જેમાં ઓર્થોપેડિક, ગાયનોકોલોજીસ્ટ સહિતની સારવાર ઉપલબ્ધ છે. વીએસ હોસ્પિટલની બિલ્ડીંગ અને બાંધકામ જૂનું હોવાથી પણ ત્યાં કોરોનાની સારવાર માટે વ્યવસ્થા ઉભી કરવી મુશકેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરમાં 59 ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ કરાવ્યા છે. જેમાં 3000થી વધુ દર્દીઓ સારવાર લઈ ચુક્યા છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે પાછલા સપ્તાહ દરમિયાન કોવિડ-19ના ઓછા કેસ આવતા હોવાથી ઓછા લોકોને દાખલ કરવામાં આવ્યા છે અને જેને લીધે હોસ્પિટલમાં ઘણા બેડ હજી ખાલી છે. કોવિડ19ના ટેસ્ટ માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 19 ખાનગી લેબને ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. હાલ સરકાર પાસે કોઈ લેબની અરજી પેન્ડિંગ નથી.
હાઇકોર્ટ રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે શું રોગનું નિદાન નાગરિકોનું મૂળભૂત અધિકાર નથી. તેના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું કે કેટલાક પ્રતિબંધ જાહેરહિતને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે હોસ્પિટલોમાં અત્યાર સુધીમાં 24,794 દર્દીઓને હાઇડ્રોક્લોરોકવિન દવા આપી છે અને 5 લાખથી વધુનો પૂરતો સ્ટૉક ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો હતો.