અમદાવાદ: કોરોના લોકડાઉન બાદ 14મી સપ્ટેમ્બરથી પહેલીવાર ગુજરાત હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી શરૂ કરવામાં આવશે. તેમાં વર્ષો જુના 500 જેટલા સિવિલ કેસ પર સુનાવણી હાથ ધરાશે. હાઇકોર્ટ દ્વારા સૌથી જૂના 500 સિવિલ કેસની યાદીમાં 1981થી 2010 સુધીના કેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ 500 કેસ પૈકી વર્ષ 1996થી 2001 વચ્ચે નોંધાયેલા સિવિલ કેસની સંખ્યા 359 જેટલી છે. જે લગભગ 70 ટકા થાય છે.
આ સિવાય ક્રિમિનલ કેસની ફિઝિકલ સુનાવણી માટે પણ સિંગલ અને ડિવિઝન બેન્ચ સમક્ષ કેસ મુકાશે. જેમાં જેલ કન્વીક્શનની વર્ષ 2014 સુધી નોંધાયેલી અપીલ અરજીઓ ડિવિઝન બેન્ચ સમક્ષ અને જેલ કન્વીક્શનની વર્ષ 2018 સુધીની અપીલ અરજી સિંગલ જજ સાંભળશે.
આ કેસની સુનાવણી માટે બંને પક્ષ ફિઝિકલ સુનાવણી માટે સહમત હોવા જરૂરી છે અને સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા કોઈપણ પ્રકારની મુદત આપવામાં આવશે નહીં. ફિઝિકલ સુનાવણી માટે ક્રિમિનલ અપીલ અરજી અને જૂની સિવિલ અરજીઓના સાપ્તાહિક બોર્ડ શુક્રવારે રજૂ કરવામાં આવશે.