અમદાવાદઃ રેલવે દ્વારા અત્યાર સુધીમાં 1600 જેટલી ટ્રેન દોડાવીને 21.5 લાખ શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યાં છે.
રેલવે પ્રધાન પીયૂષ ગોયલે કરેલી જાહેરાત પ્રમાણે 1લી જૂનથી 100 જોડી ટ્રેન એટલે કે 200 ટ્રેન રોજીંદા સમય પ્રમાણે દોડતી થશે. જેનું બુકિંગ IRCTCની વેબસાઇટ પર શરૂ થઇ ચૂક્યું છે. આ 100 જોડી ટ્રેનમાંથી વેસ્ટર્ન રેલવે 17 જોડી ટ્રેન એટલે કે 34 ટ્રેનનું સંચાલન કરશે.
વેસ્ટર્ન રેલવે દ્વારા ચાલનારી આ ટ્રેનો એક્સપ્રેસ ટ્રેનો હશે. જેમાં અમદાવાદને 8 જોડ ટ્રેન મળી છે, સુરતને 1 જોડ ટ્રેન મળી છે. જ્યારે બાકીની ટ્રેનો મહારાષ્ટ્રના મુંબઈ સેન્ટ્રલ અને બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત થોડા સમય અગાઉ ચાલુ કરવામાં આવેલી 15 ટ્રેનો બાદ આ 100 જોડી ટ્રેનોના નિયમો પણ પહેલા જેવા જ રહેશે. એટલે કે...
- આ ટ્રેનો માટેની ટિકિટ ફક્ત ઓનલાઇન જ બુક કરાવી શકાશે.
- પેસેન્જરોએ દોઢ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવાનું રહેશે.
- દરેક પેસેન્જરે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.
- પેસેન્જરે ફરજીયાત સોસિયલ ડિસ્ટનસનું પાલન કરવું પડશે.
- દરેક પેસેન્જરે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
- દરેક પેસેન્જરનું સ્ક્રિનિંગ કર્યા બાદ જ ટ્રેનમાં પ્રવેશ અપાશે.
- ટ્રેનમાં કેટરીંગની સુવિધા અપાશે નહીં. એટલે જે ટ્રેનમાં પેન્ટ્રીની વ્યવસ્થા હશે, ત્યાંથી સુકો નાસ્તો અને પાણીની બોટલ અપાશે. તેનો ચાર્જ અલગથી રહેશે.
- દિવ્યાંગ અને અન્ય 11 કેટેગરીના પ્રવાસીઓને કન્સેશન મળી રહેશે.
- નિયત સમય મર્યાદામાં ટિકિટ રદ કરાવતા રિફંડ મળશે.
- પ્રવાસીઓને અનુરોધ કરવામાં આવે છે કે પોતાની સાથે ભોજનની વ્યવસ્થા કરવી.
- જોકે પહેલા જેમ ટ્રેનો ચાલતી હતી. તે પ્રમાણે સ્ટેશન પર ઉભી રહેશે અને ત્યાં નાસ્તા-પાણીની સ્ટોર ખુલ્લા હશે.