અમદાવાદઃ શહેરમાં તમામ સાઇટો પર કામ કરતાં મજૂરોને માટે હવે કોવિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જે માટે તમામ કન્સ્ટ્રકશન સાઇટના માલિકોને મ્યુનિ.એ આદેશ આપ્યો છે. તમામ મજૂરોને નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર લઇ જઇ તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે.
આ અંગે ઉત્તર પશ્ચિમ ઝોન-18, દક્ષિણ પશ્ચિમ ઝોન-11, પૂર્વ ઝોન-8, ઉત્તર ઝોન-36, દક્ષિણ ઝોન-18, મધ્ય ઝોન-2 મળી 93 સાઈટ પર નોટિસ આપવામાં આવી છે અને 810 મજૂરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં પાંચ કેસ પોઝિટિવ આવ્યા છે. તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.
કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ચાલતી બાંધકામ સાઈટ પર મજૂરોના કોરોના ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિને ધ્યાને લેતા મજૂરોમાં કોરોના સંક્રમણ મળી આવ્યું છે. આ સંજોગોમાં અન્ય સાથી મજૂરોનું આરોગ્ય જોખમાય નહીં તે માટે કન્સ્ટ્રકશન સાઇટના કોવિડ કોઓર્ડિનેટર દ્વારા તમામની તપાસ કરાવવી ફરજિયાત છે.