અમદાવાદઃ ગ્રામ્ય જિલ્લામાં વ્યાજખોરો તથા તેની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસે હવે લાલ આંખ કરી છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા તમામ પોલીસ મથકોને આદેશ કરવામાં આવ્યો છે. તેમના આદેશ અનુસાર, ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય. બી. ગોહિલે લોક દરબાર યોજી લોકોને જાગૃત કર્યા હતા. તેમણે સરકાર દ્વારા નવા પાસાના કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ વિશે લોકોને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, નવા પાસાના કાયદા હેઠળ ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો કોઈ વ્યાજખોરો કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે કનડગત કરે તો ભોગ બનનાર કોઈ પણ વ્યક્તિએ ડર વિના ધંધુકા પોલીસનો સંપર્ક કરવો.
પીઆઈએ વધુમાં જણાવ્યું કે, વ્યાજ-વટાવના ધંધા સાથે સંકળાયેલા લાઈસન્સ ધરાવનારને કે બિન લાઈસન્સવાળા ધીરધાર કરનાર ઊંચા વ્યાજે પૈસા આપવા એ કાયદાકીય રીતે ગુનો છે. બળજબરીપૂર્વક વ્યાજ વસૂલ કરવા અવેજમાં બીજી કોઈ ચીજ વસ્તુઓ કે વાહન પડાવી લેવા અથવા કોઈ સંપત્તિનું લખાણ કે દસ્તાવેજ કરાવી લેવો, ધાક-ધમકી કે શારીરિક માનસિક ત્રાસ આપવો જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ વ્યાજખોરો દ્વારા કરવામાં આવે તો તે કાયદાકીય ગુનો બને છે. વ્યાજખોરોના અપકૃત્યોને સાંખી લેવામાં નહીં આવે.
ઉપરોક્ત વિષય અનુસંધાને જોઈએ તો વ્યાજખોરોના ત્રાસ આપવા અંગેની ઘટનાઓ સમગ્ર ગુજરાતના કોઈને કોઈ સ્થળેથી સમાચારો પ્રકાશિત થતા જ હોય છે. વ્યાજખોરોના ત્રાસથી વ્યાજે પૈસા લેનાર લેણદાર ઘણી વખતે દવા પીવાના બનાવો તો ક્યારેક ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાના બનાવો સતત જોવા કે સાંભળવા મળે જ છે, પરંતુ વ્યાજખોરો સામે સખ્ત પગલા લેવાયા નથી ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પાસાના કાયદા હેઠળ હવે વ્યાજખોરો સામે ગાળિયો તો કસ્યો છે પણ કેટલા અંશે સફળતા મળે છે તે જોવું રહ્યું.