અમદાવાદ: શહેરના વટવા રીંગ રોડ પાસે પ્રયોશા રેસિડેન્સીમાં બે ભાઈ અને ચાર બાળકોના મૃતદેહ મળી આવતા પોલીસે એ આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ તમામ લોકો બંધ મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જો કે કયા કારણોસર બંને સગા ભાઈએ આ પગલું ભર્યું હતું તે મામલે પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસને કેટલીક જાણકારી મળી છે.
જે ફ્લેટમાં આ બનાવ બન્યો હતો તે મકાનની બહાર બેન્ક દ્વારા લોનની બાબતને લઈને નોટીસ લગાવવામાં આવી હતી. જેથી પોલીસને શરૂઆતથી જ એવી આશંકા છે કે આર્થિક સંકડામણને કારણે આ બંને ભાઈઓએ પગલું ભર્યું હોઈ શકે.બંને ભાઈઓના પાનકાર્ડના આધારે બેન્ક ડીટેલ અને નાણાકીય વ્યવહારો મામલે તપાસ શરૂ કરી હતી.
ચોંકાવનારી બાબત એ બહાર આવી છે કે ગૌરાંગ પટેલના નામે પોલીસને અલગ-અલગ બેન્કમાં કુલ 37 લોન એકાઉન્ટ મળી આવ્યા છે, જ્યારે અંદાજિત 30 લાખ જેટલી લોનની રકમ ભરપાઈ કરવાની બાકી છે.
પોલીસે પરિવારના અલગ-અલગ વ્યક્તિઓની પણ આ મામલે પૂછપરછ શરૂ કરી છે અને લગભગ 10થી વધુ સભ્યોના નિવેદન પણ નોંધાયા છે જેમાં પરિવાર આ લોનની બાબતથી અજાણ હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આ સિવાય બન્ને ભાઈઓએ અન્ય કોઇ જગ્યાએ મોટી રકમના નાણાકીય વ્યવહાર કર્યા છે કે, કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.