અમદાવાદ: શહેરમાં ઈલેક્ટ્રોથમ ઈન્ડિયા લિમિટેડ કંપનીના માલિકો વચ્ચે ચાલી રહેલો મિલકતનો વિવાદ વધુ વકર્યો છે. જેમાં ભત્રીજાએ દિલ્હી સીબીઆઈના અધિકારી મારફતે તબીબ કાકાને ફોન કરાવીને સમાધાન કરી લેવા ધમકી આપી હતી. જેમાં સમાધાન નહીં કરો તો ઉઠાવી જવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તબીબે ભત્રીજા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
વિગતે વાત કરીએ તો આંબલી- ઈસ્કોન રોડ ઉપર આવેલા ભંડારી ફાર્મ હાઉસમાં રહેતા ડોક્ટર નાગેશ ભંવરલાલ ભંડારી સેટેલાઈટ સ્કાયલાર્ક એપાર્ટમેન્ટમાં ગુજરાત સ્પાઈન ક્લિનિક નામથી દવાખાનું ધરાવે છે. ડોક્ટર નાગેશ ભંડારીએ તેમના ભત્રીજા સિદ્ધાર્થ ઉર્ફે તોષી મુકેશભાઇ ભંડારી તેમજ અજાણ્યા મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સિદ્ધાર્થ તેમના મોટાભાઇ મુકેશભાઇ ભંડારીનો દીકરો થાય છે અને તે અગાઉ ઈલેક્ટ્રોથમ કંપનીનો ડિરેક્ટર હતો. જો કે, આ કંપની તેમજ તેની મિલકતના કારણે નાગેશભાઇ તેમજ તેમના ભાઇઓ વચ્ચે વાદવિવાદ ચાલી રહ્યો છે.
કોર્ટમાં ઘણા બધા સિવિલ કેસો પણ ચાલી રહ્યાં છે. જ્યારે સિદ્ધાર્થ છેલ્લા ઘણા સમયથી કેસો પાછા ખેંચી લઇને સમાધાન કરી દેવા નાગેશભાઇ ઉપર દબાણ કરી રહ્યો છે. ત્યારે ગત તા.31 મેના રોજ બપોરે ડોક્ટર નાગેશ ભંડારી ઘરે હાજર હતા. ત્યારે તેમના ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાની ઓળખાણ સીબીઆઈના અધિકારી મલેક તરીકે આપીને દિલ્હીથી વાત કરતા હોવાનું જણાવ્યું હતું. આટલું જ નહીં તેમણે ફોન ઉપર જ નાગેશભાઇને ધમકી આપી હતી કે, તમે સિદ્ધાર્થ સાથેના કોર્ટ કેસોમાં સમાધાન કરી લો, નહીં તો તમને ઉઠાવીને દિલ્હી લઇ જઇશું અને જાનથી મારી નાખીશું. તમને એક અઠવાડિયાનો સમય આપું છું.
જેના આધારે ડોક્ટર નાગેશ ભંડારીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે સિદ્ધાર્થ તેમજ સીબીઆઈના અધિકારી મલેક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફોન કરનાર અસલી સીબીઆઈ ઓફિસર છે કે નહિ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.