નવસારી: અમદાવાદ ખાતે ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનામાં નવ લોકોના મોત થયા બાદ પણ ગુજરાતના અન્ય શહેરોમાં આ પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે. ત્યારે નવસારી ખાતે ગત રાત્રિએ જુનાથાણા નજીક આવેલા ખત્રીવાડ ખાતે આવેલી નવી ચાલીમાં ડ્રીંક એન્ડ ડ્રાઇવના એક બનાવમાં દારૂના નશામાં એક યુવાને ચાલીમાં રોડ ઉપર પાર્ક કરેલી ત્રણ કાર તેમજ બે બાઈક અને બે મોપેડ સહિત એક લારીને ટક્કર મારી અને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.
ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસ: આ ઘટના અંગે નવી ચાલીમાં રહેતા જીગ્નેશભાઈ પટેલે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નવસારી પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઈવના ગુનામાં સંડોવાયેલા આશાબાગ નજીક આવેલા વિવાંતા એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય નોશરભાઈ નિમેષભાઈ ઝવેરીને ઝડપી પાડ્યો હતોનવસારી ટાઉન પોલીસે આ ગુના અંગે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કારમાં મળી દારુની બોટલ: મળતી માહિતી મુજબ આરોપી એનઆરઆઈ હોવાની જાણકારી મળી છે. આરોપીના કબજા વાળી મારુતિ કંપનીની બલેનો કારમાંથી પોલીસને બિયરના ખાલી ટીન તેમજ ઠંડા પીણાની બોટલ પણ મળી આવી છે. ત્યારે બેફામ રીતે રાત્રિના સમયે ગાડી હંકારતા આ નશામાં આરોપીએ છ જેટલા વાહનોને અડફેટે લીધા હતા. પરંતુ રાત્રિનો સમય હોવાથી ત્યાં કોઈ અવરજવર ન હતી નહીં તો મોટી જાનહાનીની ઘટના બની હોત ત્યારે આવા આરોપીઓને કડક સજા મળે તેવી આસપાસના લોકોની માંગણી કરી છે.
" નવસારીના ટાઉન વિસ્તાર ખત્રીવાડમાં રાત્રિ દરમિયાન NRI યુવક નોશર ઝવેરીએ નશાની હાલતમાં રાત્રે દરમિયાન બાઇક અને કારને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જે બનાવવાની ગંભીરતાને ધ્યાને લઈને નવસારી ટાઉન પોલીસે આરોપીને અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે." - એસ કે રાય, નાયબ પોલીસ અધિક્ષક