અમદાવાદ : શેરી ગરબા હવે પ્રાચીન પરંપરા અને આધુનિક શૈલીના પ્રતીકરુપે જોઇ શકાય છે. સમયના બદલાવ સાથે પરંપરામાં પણ સાંસ્કૃતિક છાંટનું નાવિન્ય જણાઈ આવતું હોય છે. ઈટીવી ભારત દ્વારા અમદાવાદમાં શેરી ગરબાના સ્વરુપની સુંદર ઝલક માણીએ જ્યાં આ બંને બાબતનો સાક્ષાત્કાર થઇ જશે. અમદાવાદ : હેરિટેજ સિટી અમદાવાદ તેના લોક તહેવારોના કારણે પણ વૈશ્વિક ઓળખ ઘરાવે છે. અમદાવાદની પોળ અને શેરીમાં આસો નવરાત્રીમાં ગવાતા શેરી ગરબા શહેરની ઓળખ છે. તો પ્રાચીન પરંપરા સાથે આધુનિકતાના સમન્વયથી શેરી ગરબાનો વ્યાપ વધતો જાય છે. ત્યારે કેવી રીતે શેરી ગરબા હવે પ્રાચીન પરંપરા અને આધુનિક શૈલીના પ્રતીક બન્યા છે એ જાણીએ.
જ્યાં સુધી શેરી ગરબા ટકશે, ત્યાં સુધી નવરાત્રી લોક તહેવાર તરીકે ઓળખાશે : આસો નવરાત્રીના પર્વમાં જૂના અમદાવાદ શહેરની પોળ, ચોક અને શેરીઓમાં શેરી ગરબા ગવાય છે. એક સમયે બિંદુ ભગત નવરાત્રીના ગરબા ગાયક તરીકે પ્રખ્યાત હતા. અમદાવાદની પોળોમાં શેરી ગરબાને આધુનિક ખેલૈયાઓએ જીવંત રાખ્યાં છે. શેરી ગરબામાં ખેલૈયા સહિચારી રીતે એક વર્તુળ સર્કલમાં ગરબાના સુરે અને ઢોલ-તાળી-વાંસળી અને મંજીરાની સરગમે પગના ઠેકાથી ગરબા ગવાય છે. અમદાવાદની ઢાળની પોળમાં વર્ષોથી થતાં શેરી ગરબા આજે ગરબાના સાચા સ્વરૂપને પ્રગટ કરે છે.
સદીઓથી પોળના ચોક બને છે ભક્તિના ચાચર ચોક : અમદાવાદી પોળોમાં 21મી સદીમાં પણ સયવાયેલા શેરી ગરબાને આજે યુવાઓ ધબકતા રાખે છે. પોળ કહો તે ખાંચો તેના ચોકમાં પરંપરાગત રીતે આરતી, સ્તુતિ અને ગરબાની ત્રિવેણીથી થતા ગરબામાં ભક્તિનું તત્વ સવિશેષ હોય છે. પોળના વડીલોએ પણ શેરી ગરબાને પ્રોત્સાહન આપી ભક્તિની આ પરંપરાને જીવંત રાખી પોળના ચોકને ચાચરના ચોકમાં રૂપાંતરિત કરે છે.
પોળના રહિશો જ્યાં પણ રહે, નવરાત્રી તો પોળમાં શેરી ગરબાથી ઉજવે છે : અમદાવાદની પોળોમાં ઓછી અને સાંકડા જગ્યા હોવા છતાં શેરી ગરબા પરંપરાગત રીતે યોજાય છે. હાલ શેરી ગરબાનું નર્તન સ્વરૂપ પરંપરાગત રહ્યું છે, જેમાં બે તાળી, ત્રણ તાળી, હીંચ કે રાસ ગરબા તરીકે ખેલૈયાઓ રમે છે. પણ આધુનિક સમયમાં માઇક પર રેકોર્ડેડ ગરબા મૂકીને ખેલૈયાઓ ગરબા મન મૂકીને રમે છે. પોળ બહારના વિસ્તારોમાં વસવાટ કરવા ગયેલા પોળવાસીઓ પણ નવરાત્રીનો પર્વ તો શેરી ગરબા થકી જ ઉજવે છે.
પોળના યુવાઓ પોળમાં જ રમે છે શેરી ગરબા : 1990ના દાયકાથી અમદાવાદમાં પાર્ટી પ્લોટ અને ક્લબમાં આધુનિક ગરબાનું મહત્વ વધ્યું છે. પણ અમદાવાદને હેરિટેજની ઓળખ અપાવામાં અગ્રગણ્ય ભૂમિકા જેને ભજવી છે એ ઢાળની પોળ અને તેના ખાંચા કે મહોલ્લામાં આધુનિક યુવાઓ શેરી ગરબા થકી ભક્તિ શક્તિનો મહિમા કરે છે. આજે પણ પોળના યુવા, બાળકો અને મહિલા પોળમાં જ શેરી ગરબા ગાઈને નવરાત્રી પર્વને સામૂહિક સ્તરે પરંપરાગત રીતે ઉજવે છે.
રાજસ્થાની મહિલાઓ પણ હવે ગરબાને પોતાનો તહેવાર સ્વીકારે છે : જૂના અમદાવાદમાં અનેક રાજસ્થાની પરિવારો વસે છે. જેઓએ નવરાત્રીના પર્વને પોતાનું પર્વ અપનાવીને પોળની શેરી-ગરબા પરંપરાને અપનાવી છે. ભક્તિ અને આનંદ સાથે રાજસ્થાની રહીશો શેરી ગરબામાં સૌની સાથે મા નવ દુર્ગાની ભકિતને પ્રદર્શિત કરે છે.
માતાજીની સ્થાપના, સામૂહિક આરતી-સ્તુતિ પણ શેરી ગરબાનો ભાગ છે : અમદાવાદમાં ક્લબો કે અન્ય વિસ્તારોમાં યોજાતા આધુનિક ગરબામાં ફક્ત ગરબા-રાસ રમવા પર ભાર મુકાય છે. જ્યારે પોળ અને તેના પરિસરમાં યોજાતા શેરી ગરબામાં મા અંબા, નવદુર્ગાની સ્થાપના થાય છે, નિયમિત આરતી-સ્તુતિ થાય છે અને પરંપરાગત રીતે શેરી ગરબા એક વર્તૂળમાં યોજી ગરબાના પંરપરાગત સ્વરુપને જાળવી રખાય છે. અમદાવાદની ઢાળની પોળમાં ચબૂતરા પાસેના ગરબા, ગુણવંત ચોક અને વિવિધ ખાંચામાં રમાતા શેરી ગરબાએ ખરાં અર્થમાં આસો નવરાત્રીના મહત્વ સાચવ્યું છે અને હિંદુઓની શક્તિ-ભકિત પરંપરાને અકબંધ રાખી મોટું સાંસ્કૃતિક કાર્ય કર્યું છે.