અમદાવાદ: કાંકરિયા ખાતે રહેતા અમિત શ્યામ સુખા દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરીયાદી અમદાવાદના સરખેજ બાવળા હાઇવે પર આવેલી મેગા પ્રોડક્ટ પ્રોસેસર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા હોય અને જે કંપની વિમલ બ્રાન્ડના નેજા હેઠળ વિમલ પાન મસાલા તેમજ વિમલ ઈલાયચી નામની પડીકીઓ બનાવતી હોય તેઓની ફરજમાં કંપનીના બ્રાન્ડનું ડુપ્લીકેટ ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી કરવાનું હોય છે. તેઓને માહિતી મળી હતી કે અમદાવાદમાં નરોડા રોડ ઉપર મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં શેડ નંબર બી 102 માં બીજા માળે શબ્બીર અલી શેખ નામનો વ્યક્તિ વિમલ પાન મસાલાનું ડુપ્લીકેટીંગ કરી વેચાણ કરે છે.
"આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ ગુનામાં તેની સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે"-- બી.સી સોલંકી (SOG ક્રાઈમના ACP)
રાજસ્થાન રાજ્યમાં વેચાણ: જે માહિતી મળતા એસઓજી ખાતે આવીને તેઓએ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા સમગ્ર મામલે એસઓજીની ટીમ નરોડામાં મારુતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર બી 102 માં પહોંચી હતી. જ્યાં પહોંચતા તેઓને વિમલ પાન મસાલાનું મશીનરી પેકિંગ કરતો શબીરઅલી શેખ નામનો વ્યક્તિ મળી આવ્યો હતો. ફેક્ટરીમાં તપાસ કરતા તેની પાસે વિમલ પાન મસાલાના પેકીંગ બનાવવાના મશીન મારફતે પેકિંગ કરવા બાબતે કોઈ અધિકૃત લખાણ ન હોય અને તે પોતે આ વિમલ પાન મસાલાની પડીકીઓ ડુપ્લીકેટ રીતે પેકિંગ કરી ગુજરાત રાજ્યના સુરત અને વડોદરા શહેરમાં તેમજ રાજસ્થાન રાજ્યમાં વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે એસઓજી ક્રાઇમે કોપીરાઇટની કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.